Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અમરેલી પંથકના એરોનોટીકલ એન્જીનીયર સંકેતને મહુવા પંથકના પ્રજ્ઞેશે ડ્રગ્સ ફેકટરી બનાવવા તરફ દોરેલો

બોલીવુડ કનેકશન તપાસતી એનસીબી સુરત આવશે ? ડ્રગ્સકાંડમાં ચોંકાવનારા ખુલાસા :ડ્રગ્સ પેડલર સુફીયાનને રીમાન્ડ પર લેવાયોઃ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર -એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા ઠેર-ઠેર દરોડા

રાજકોટ, તા., ૨૮: સુરતને ડ્રગ્સમુકત  કરવાનું અભિયાનનો લક્ષ્યાંક ટોચ પર રાખનારા સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ટીમ દ્વારા સુરતના ઇતિહાસનું સૌથી મોટુ કરોડોની રકમનું ડ્રગ્સ તથા ગાંજાના રેકેટનો પર્દાફાશ કરવા સાથે બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ દીપીકા પાદુકોણ, શ્રધ્ધાકપુર, સારા અલી ખાન વિગેરેનું ડ્રગ્સ કનેકશન તપાસતી એનસીબીને જાણ કરવાના પગલે-પગલે એનસીબીની ટીમ સુરતની મુલાકાત લ્યે તેવી શકયતાઓ નકારાતી નથી.

દમિયાન સુરતમાં અમરેલી પંથકના યુવાન સંકેત દ્વારા ડ્રગ્સ બનાવવાની જે ફેકટરી કાચો માલ આયાત કરી ચલાવાતી હતી તેની પ્રેરણા મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર  જીલ્લાના મહુવા પંથકના પ્રજ્ઞેશ પાસેથી મેળવી હોવાનું ચોંકાવનારૂ તારણ બહાર આવ્યું છે.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સંકેતને કાચી સામગ્રી આધારે ડ્રગ્સની  ફેકટરી દ્વારા કઇ રીતે મોટો નફો રળી શકાય તેનું માર્ગદર્શન આપનાર પ્રજ્ઞેશ એમ ફાર્મ  જેવી ડીગ્રી ધરાવવા સાથે ફાર્મા કંપનીનો અનુભવ ધરાવતો હોવાનું પણ ખુલવા પામ્યું છે. અમરેલી પંથકનો સંકેત પણ એરોનોટીકલ  એન્જીનીયરની ડીગ્રી ધરાવે છે.

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસ અને દરોડાનો દોર દરમિયાન સલમાન પાસેથી  એમડી ડ્રગ્સ ખરીદનાર પેડલરનો સુફીયાન  ઉર્ફે બાબા અશરફ મેમણને પણ ઝડપી લેવાયો છે. આરોપીઓની રિમાન્ડ દરમિયાન હજુ પણ ચોંકાવનારા તથ્યો ખુલનાર હોવાનું સુત્રો જણાવે છે.

(12:20 pm IST)