Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સગીરા ઉપરના બળાત્કાર કેસમાં ભાવનગરના હાદાનગરના શખ્સને ૧૦ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

ભાવનગર, તા. ર૮ : ચાર વર્ષ પૂર્વે ભાવનગર શહેરના હાદાનગર, સત્યનારાયણ સોસાયટીમાં રહેતા એક શખ્સે સગીરાને લલચાવી, ફોસલાવી, અપહરણ કરી ભગાડી જઇ અઢી માસ સુધી સાથે રાખી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ શુક્રવારે ભાવનગર સ્પે. જજ અને બીજા એડીશનલ સેસન્સ જજ એ.મેજ. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી કવીલ બી.જે. ખાંભલીયાની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઇ મુખ્ય આરોપી સામેનો ગુનો સાબીત માની ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના સત્ય નારાયણ સોસાયટી નં. ર, પ્લોટ નં. ૪૯-બી, હાદાનગર વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફે કાળુ સુરેશભાઇ પરમાર ઉ.વ. ર૦ નામના યુવાને ગત તા. ર૦-ર-ર૦૧પના રોજ ફરીયાદીની સગીર વયની દિકરી ભોગ બનનારને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે તેણીની ઇચ્છા અને મરજી વિરૂદ્ધ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી, ભગાડી લઇ ગયેલ અને આ કામમાં અન્ય આરોપી અશોક ગોપાલભાઇ મકવાણા (રહે. ફરીયાદકા) નામના શખ્સે તથા અશ્વિન ઉર્ફે અશોક શામજી જમોડ તથા પ્રવિણ ઉર્ફે રાજુ ખીમજી ડાભીએ સહિતના શખ્સોએ આરોપીનો સંપર્ક કરાવી વાડીમાં રહેવાની વ્યવસ્થા કરી આપી તેમજ સમયાંતરે રેશન આપી મદદગારી કરતા ભોગ બનનારની ઇચ્છા અને મરજી વિરૂદ્ધ મુખ્ય આરોપી સંજય ઉર્ફે કાળુ પરમારે સગીરા ઉપર બળાત્કાર ગુજારેલ.

આ બનાવ અંગે જે તે સમયે ભોગ બનનાર સગીરાના પિતાએ ભાવનગરના બોરતળાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સંજય ઉર્ફે કાળુ સુરેશભાઇ પરમાર સામે ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૧, (ડી), તથા પોકસો એકટ ર૦૧ર ની કલમ ૪,૧૭ મુજબનો ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ આજરોજ શુક્રવારે ભાવનગરના સ્પે.જજ અને બીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલો, મૌખીક પુરાવા ર૦, લેખિત પુરાવા ૩૯ વિગેરે ધ્યાને લઇ અદાલતે મુખ્ય આરોપી સંજય ઉર્ફે કાળુ પરમાર સામે ઇપીકો કલમ ૩૬૩ મુજબનાં ગુના સબબ તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સજા અને રોકડા રૂ. ર હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા, ઇપીકો કલમ ૩૬૬ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી સાત વર્ષની સજા અનેરોકડા રૂ.ત્રણ હજાર દંડ ન ભરે તો વધુ છ માસની સજા, ઇપીકો કલમ ૩૭૬ (ર) મુજબના ગુના સબબ આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ.૧૦ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા અદાલતે ફટકારી હતી.

આ ગુનામાં નહી પકડાયેલ અને નાસતા ફરતા આરોપીઓ સામેની ટ્રાયલ પેન્ડીંગ હોવાથી મુદ્દામાલ સંબંધે આ તબકકે કોઇ હુકમ કરવામાં આવેલ નથી, આરોપીએ જમા કરાવેલ દંડ પૈકીની રકમના પ૦ ટકા રકમ ભોગ બનનારે વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

(1:37 pm IST)