Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ડ્રાઇવર તરીકેના કૌશલ્યને વાજપાઇ બેન્કેબલ યોજનાએ દીપાવ્યુઃ લાભાર્થી રવીભાઇ રાઠોડ

સીએનજી ઓટો રીક્ષાની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ૪૦ ટકા સબસીડી મળી છેઃ નોકરીમાં ૭-૮ હજાર પગાર ફિકસ હતો હવે ૧૫-૨૦ હજાર રૂપિયા મહિને કમાણી થાય છે

મોરબી, તા. ૨૭ સપ્ટેમ્બર ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યકિતઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય થી શરૂ કરાયેલ શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના થકી મોરબી જિલ્લાના વાકાંનેરના રવીભાઇ રતિલાલ રાઠોડે આ યોજનાનો લાભ લઇ યોજનાના ઉદ્દેશ્યને સાર્થક કર્યો છે.

રવીભાઇ રાઠોડે ધોરણ દસ સુધી શિક્ષણ લીધા બાદ ઘરની જવાબદારીઓ માથે આવતાં તેમણે નોકરી સ્વીકારીને ઘરની જવાબદારી ઉપાડી લીધી પરંતુ સમય જતાં તેમણે રાજ્ય સરકારની વાજપાઇ બેન્કેબલ યોજના અંગે માહિતી મળતા તેમણે ડ્રાઇવર તરીકેના કૌશલ્યને વિશાળ ફલક પર લઇ જવા માટે -ેરણા મળી. તેમણે જાત મહેનતનો વિચાર કરીને નોકરી નહીં પરંતુ પોતે વાહન લઇને નોકરી કરતાં પણ વધુ કમાઇ શકે છે તેવો વિચારને ફળીભૂત કરવા માટે સાહસ કર્યું. તેમના આ સાહસને રાજ્ય સરકારની વાજપાઇ બેન્કેબલ યોજના સહાયરૂપ થઇ.

રવીભાઇ રાઠોડે પોતાના વ્યવસાયને અનુરૂપ ઓટો રીક્ષા ચલાવીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું નક્કી કર્યું. નોકરી દરમિયાન તેમને ૭૦૦૦-૮૦૦૦ રૂપિયા પગાર મળતો હતો પરંતુ તેમણે ઓટો રીક્ષાના વ્યવસાય અંગે વિચારીને નોકરી છોડીને મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે વાજપાઇ બેન્કેબલ યોજનાની અરજી કરી અને તેમણે અરજી કર્યાના થોડા દિવસોમાં જ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કની વાકાંનેર શાખા દ્વારા ઓટો રિક્ષા લેવા માટે રૂ. ૧,૭૧,૫૦૦ રૂપિયા લોનની મંજૂરી મળી ગઇ.

હવે રવીભાઇ રાઠોડ સીએનજી રીક્ષા ચલાવીને વાકાંનેરના લોકલ તેમજ વાકાંનેર-મોરબી પેસેન્જરની ફેરી કરીને મહિને ૧૫૦૦૦-૨૦૦૦૦ સુધીની કમાણી કરતાં થઇ ગયા છે. આ અંગે રવીભાઇ પોતાનો વિચારો વ્યકત કરતાં કહે છે કે જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે સિમિત પગારની અંદર ઘર-પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું પરંતુ હવે ઓટો રીક્ષા લીધા બાદ વધુ મહેનત કરીને વધુ કમાણી કરવું શક્ય બન્યું છે. સીએનજી ઓટો રીક્ષા લેવાનું આમ તો ક્યારેય શક્ય ન બનત પરંતુ રાજ્ય સરકારની આ યોજનાથી મને ૪૦ ટકા જેટલી સબસીડી પાસ થઇ છે.

રાજ્ય સરકાર દ્વારા વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપે છે. જેમાં રાજ્ય સરકાર ૨૦ થી ૪૦ ટકા સુધીની સબસીડી આપે છે. અપંગ કે અંધ વ્યકિત પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે પોતાના વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.

ઉપરોકત તમામ આવશ્યક બાબતોને ધ્યાને રાખી વાકાંનેરના રવીભાઇ રાઠોડે તેમની અને તેમના પરિવારની ઉન્નતી કરી છે તેનો શ્રેય પણ રાજ્ય સરકારની આ વાજપાઇ બેન્કેબલ યોજનાને જાય છે.

લેખન-સંપાદનઃ

ઘનશ્યામ પેડવા

(સહાયક માહિતી નિયામક – મોરબી)

ફોટોઃ પ્રવિણભાઇ સનાળીયા

(1:35 pm IST)