Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

મોરબી જીલ્લા પંચાયતના બિલ્ડીંગના બાંધકામમાં મુદત વધારા માટે કારોબારીનો ઇન્કાર

મોરબી તા.૨૮: મોરબી જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે મળી હતી જેમાં અધિકારી અને પદાધિકારી વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી તો જીલ્લા પંચાયત બિલ્ડીંગના બાંધકામમાં મુદત વધારા માટે પણ સમિતિએ ઇનકાર કર્યો હતો

 મોરબી જીલ્લા પંચાયતના કારોબારી સમિતિ અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ અને ડીડીઓ એસ એમ ખટાણા તેમજ ડેપ્યુટી ડીડીઓ રામદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મળી હતી કારોબારી સમિતિની બેઠકમાં રજુ થયેલા ૧૧ એજન્ડાઓ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી રજુ થયેલ બે સહીત ૧૩ એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી જેમાં ગત કારોબારી સમિતિ કાર્યવાહી નોંધ અને અમલવારી નોંધને બહાલી આપવી, કન્સ્ટ્રકશન ઓફ ગ્રામ પંચાયત ઓફીસ બિલ્ડીંગ રોહીશાળા, ગજ્ડી, સાવડી તા. ટંકારાને બહાલી આપવામાં આવી હતી સાથે જ યોગ્ય કામગીરી ના કરે તો કડક પગલા લેવા પણ ડીડીઓએ તાકીદ કરી છે તે ઉપરાંત વાંકાનેરના પંચાસીયા અને ચાચડીયા તમજ ગારીડા અને રાજગઢ ગામમાં કન્સ્ટ્રકશન ઓફ ગ્રામ પંચાયત ઓફીસ બિલ્ડીંગ એટ વિલેજના એજન્ડાને બહાલી આપવામાં આવી છે તે ઉપરાંત હળવદના દેવીપુર એપ્રોચ રોડ, નવા ધનાળા રોડ, નવા કડીયાણા એપ્રોચ રોડના કામોને પણ એસ આર યોજના હેઠળ બહાલી આપવામાં આવી છે તો અધ્યક્ષસ્થાનેથી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટેના પ્રસ્તાવને પણ મંજુરીની મહોર લાગી છે જીલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં વરસાદ પૂર્ણ થયા બાદ તમામ ગ્રામ્ય પંથકના રોડનો સર્વે કરવા તેમજ એક કે બે વર્ષ પૂર્વે બનેલા અને તૂટી ગયેલા રોડની ચકાસણી કરવા માટે ડીડીઓએ સુચના આપી હતી તો પોસ્ટની મર્યાદા ૫ હજારથી વધારીને ૧૦ હજારના ખર્ચની કરવામાં આવી છે.

અધિકારી અને પદાધિકારી વચ્ચે શાબ્દિક બોલાચાલી

   મોરબી જીલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં બાંધકામ સમિતિના અધ્યક્ષ અમુભાઈ હુંબલ કામકાજ બાબતે સિંચાઈ અધિકારી સતીશ ઉપાધ્યાય સાથે શાબ્દિક બોલાચાલી પણ થઇ હતી જોકે બાદમાં મામલો શાંત થયો હતો.     મોરબી જીલ્લા પંચાયતનું બાંધકામ ધીમી ગતિએ ચાલતું હોય અને બાંધકામ મુદત વધારા માટેની માંગણીનો અસ્વીકાર કરાયો છે તેમજ અગાઉ નોટીસ પાઠવી હોય જેનો જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

(1:34 pm IST)