Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જામનગરના ગેરેજ સંચાલક સાથે ટેન્કરના સોદામાં ઠગાઇઃ મુળ માલિકો અને ફાયનાન્સ પેઢી વાળાએ એકના એક ટેન્કર બીજીવાર વેંચી દીધા

હરિહરનાથ ઝાના બે ટેન્કરો લઇ ડ્રાઇવરો નીકળ્યા ત્યારે રાજકોટમાં રસ્તામાં આંતરી ટેન્કરો પડાવી લેવાયાનો આરોપ : વડોદરાના છઠુલાલ ગુપ્તા, અનંતરાય ઠાકુર, એચડીપી ફાયનાન્સ અને સુંદરમ્ ફાયનાન્સના જવાબદારોએ કાવત્રુ ઘડી ઠગાઇ કર્યાનો આરોપ

રાજકોટ તા. ૨૮: જામનગરમાં સર્વિસ સ્ટેશન ગેરેજ ધરાવતાં બ્રાહ્મણ યુવાન સાથે વડોદરાના શખ્સો અને ફાયનાન્સ કંપનીના મેનેજરો, માણસોને મિલીભગત કરી બે ટેન્કરોનું વેંચાણ કરી તેના લોનના હપ્તા જે તે ફાયનાન્સ પેઢીમાં ભરપાઇ કર્યા હોવા છતાં કાવત્રુ ઘડી  તમે હપ્તા ભરપાઇ નથી કર્યા તેમ કહી માણસો મોકલી ડ્રાઇવરો પાસેથી બે ટેન્કરો પડાવી લઇ ડોકયુમેન્ટમાં પરાણે સહીઓ કરાવી લઇ ઠગાઇ કરતાં અને એકને એક ટેન્કર ફાયનાન્સ કંપનીઓના જવાબદાર અધિકારીઓ તથા ટેન્કરોના મુળ માલિકોએ બીજી વાર બારોબાર વેંચી નાંખતાં બી-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ થયો છે.

પોલીસે જામનગર ડિફેન્સ કોલોની, વૂલન મીલ પાસે રહેતાં અને ખાવડીમાં પાયલ ધાર સામે ભુવનેશ્વરી નામે સર્વિસ સ્ટેશન ગેરેજ ચલાવતાં   હરિહરનાથ લોચનભાઈ ઝા (બ્રાહમણ) (ઉ.વ.૪૦ ની ફરિયાદ પરથી વડોદરાના રણોલીના છઠુલાલ નદુનીપ્રસાદ ગુપ્તા, વડોદરાના દશરથ ગામના અનંતરાય હરિદાસ ઠાકુર, વડોદરાના એચડીપી ફાયનાન્સ સર્વિસના અધિકારી, ટેન્કર ખેંચવા એકટીવા પર આવેલા બે શખ્સો, તેમજ સુંદરમ્ ફાયનાન્સ વડોદરાના મેનેજર એ. બી. ચાકો અને ટેન્કર ખેંચવા વાળા અન્ય બે માણસો સામે આઇપીસી ૩૪૧, ૩૮૪, ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે.

હરિહરનાથે ફરિયાદમાં જણાવ્યું છે કે મારે આઇસીઆઇસીઆઇ  બૅક જામનગર બ્રાંચમાં એકાઉન્ટ હતું. જે હાલમાં બંધ છે. આશરે ૨૦૧૬ની સાલમાં હું મારા ગેરેજ પર કામ કરતો હતો ત્યારે અમારા ગેરેજમાં અનંયરામ ઠાકુર કે જે રાજકોટ હીરાપન્ના કોમ્લેક્ષમાં શ્રી ગુરૂદેવ ટ્રાન્સપોર્ટમાં મહેતાજી તરીકે કામ કરતાં હોઇ તે મારા ગેરેજે ગાડીઓનું રિપેરીંગ કામ કરાવવા આવતાં ઓળખાણ થઇ હતી. જેથી  મેં વાત કરેલ કે તમારા ધ્યાન ઉપર કોઈ સારૂ ટેન્કર હોય તો મારે ધંધા માટે લેવું છે. જેથી મને એક ટેન્કર નં.જી.જે-૬-વી.વી-૭૮૦૦  અશોક લેલન્ડ કંપનીનું બતાવ્યું હતું.  તે ટેન્કર પસંદ પડી જતાં અને તેના માલીક છઠુલાલ નંથુનીપ્રસાદ ગુપ્તા (રહે.ખોડીયાર નગર મકાન નં.ર૭ રણોલી તા.જી.વડોદરા) હોઇ તેઓની સાથે આ ટેન્કર લેવા માટેે તા.૨૧/૧૧/૧૬ નાં રોજ વાત કરી વેંચાણ કરારનું નક્કી કર્યુ હતું. જેથી હું એ દિવસે જ બરોડા ગયો હતો. ત્યાં કોર્ટમાં નોટરી કરાર કરી આ વેચાણ કરાર મુજબ રૂ.૭૦,૦૦૦ રોકડા ૦૫/૧૨/૧૬ના રોજ આપવાનું નકકી કરેલ અને આ ટેન્કરમાં એચ.ડી.બી.ફાયનાન્સ સર્વિસ લિમીટેડના ૩૦ હપ્તા બાકી હોઇ તેમજ એક હપ્તો રૂ૩ર,૨૪૫નો દર મહીને ભરવાનો હતો. આ ટેન્કરની કિમત રૂ.૯,૬૭,૩૫૦ નકકી કરી હતી. જેમાં રૂ. ૮,૯૭,૩૫૦ના હપ્તા ભરવાના હતા. જેમાં અમોએ આ ટેન્કરનાં હપ્તા પેટે નિયમીત રકમ ભરપાઇ કરી હતી.

આ જ રીતે બીજા એક ટેન્કર નં. જીજે૬એએકસ-૨૨૯૩નો સોદો પણ કર્યો હતો. તેમાં પણ અમુક રકમ રોકડી ચુકવી બાકીના ફાયનાન્સના હપ્તા ભરવાના હતાં. આ રકમ પણ નિયમીત ભરી હોવા છતાં છઠુલાલ, અનંતરાય, એચડીપી ફાયનાન્સના વડોદરાના અધિકારી, સુંદરમ ફાયનાન્સ વડોદરાના મેનેજર ચાકો તથા ટેન્કર ખેંચવા વાળા ચાર શખ્સોએ કાવત્રુ રચી ફરિયાદીના ટેન્કરો લઇ તેના ડ્રાઇવરો નીકળ્યા ત્યારે તેને અટકાવી બળજબરીથી ટેન્કરો પડાવી લઇ કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી.

જેથી અગાઉ હરિહરનાથે પોલીસમાં અરજી આપેલ હતી. તેણે તેમાં જણાવ્યું હતું કે બંને ટેન્કર કાયદેસર અમારા નામે નોટરી લખાણથી ખરીદ કરેલ હોય આ બંને ટેન્કરોના માલીકને નોટરી લખાણ મુજબનાં રૂપીયા આપેલ હોય તેમજ બાકી રહેતાં. લોનનાં હપ્તા ફાયનાન્સ કંપનીમાં અમો રેગ્યુલર ભરતાં હોય તેમ છતાં તમામ આરોપીઓએ પોતાના આર્થિક લાભ સારૂ પૂર્વ યોજીત કાવતરૂ ઘડીને આ કામના આરોપીઓએ અમારા બંને ડ્રાઈવરને માર મારવાની ધાક-ધમકી આપી પરાણે ડોકયુમેન્ટમાં સહી કરાવી અમારી બંને ટેન્કરો ગેરકાયદેસર બળજબરી પુર્વક અમારા બંને ડ્રાઈવરો પાસેથી ખેંચી લઈ તેને ફાયનાન્સ કંપનીનાં જવાબદાર અધિકારીઓએ તથા ટેન્કરના ઓનરોઓએ બારોબાર બીજીવાર વેચી અમારી સાથે વિશ્વાસઘાતછેતરપીંડી કરી ગુન્હો કર્યો હોઇ ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં હરિહરનાથે ફરિયાદમાં જણાવ્યું છે.

(1:26 pm IST)