Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

RTE હેઠળ શાળા સંચાલકો ફી મુદે હાઇકોર્ટમાં જીત્યાઃ મહામંડળ પ્રમુખ ગાજીપરા

જુનાગઢ જિલ્લાની સ્વ. નિર્ભર શાળાનાં સંચાલકોની રવિવારે તાકીદની બેઠકઃ જુનાગઢનાં હોદેદારોની વરણી થતા બહુમાન

જૂનાગઢ તા. ર૭ :.. જુનાગઢ જિલ્લા સ્વ. નિર્ભર શાળા સંચાલક મંડળની મહત્વની બેઠક કાલે તા. ર૯ ને રવિવારે જૂનાગઢ ખાતે મળવાની છે. આરટીઆઇ હેઠળ સરકાર તરફથી શાળાઓને આપવામાં આવતી ફીનાં  દરમાં હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આવતા આ વર્ષથી જફી નિર્ધારણ કમીટીએ નકકી કરેલી ફી જ દરેક શાળાઓને ચુકવવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

જુનાગઢ જિલ્લા સ્વ. નિર્ભર શાળા સંચાલકનાં પ્રમુખશ્રી જી. પી. કાઠીનાં જણાવ્યા મુજબ આરટીઆઇ હેઠળ સરકાર રૂ. ૧૦ હજાર ફી ફિકસ રીતે શાળાઓને ચુકવતી હતી. ફી નિર્ધારણ કમીટીએ નકકી કરેલી ફી અથવા શાળાની ફી બંન્નેમાંથી જે ઓછી હોય તે આપવા હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.

સ્વ. નિર્ભર શાળાનાં નવી માન્યતા અંગે હાજરી અને વર્ગ વધારાની મંજૂરી અંગેનાં ઘણા પ્રશ્નો શિક્ષણ વિભાગ સમક્ષ પડતર છે. ત્યારે આ પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવા તાજેતરમાં ગુજરાત રાજયસ્વ. નિર્ભર શાળા સંચાલક મહામંડળનાં પ્રમુખશ્રી ભરત ગાજીપરા અને સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રમુખ જતીનભાઇ ભરાડનાં માર્ગદર્શન હેઠળ આગામી તા. ર૯ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે ઇન્દ્રલોક હોટલ, રેલ્વે સ્ટેશન પાસે  જુનાગઢ ખાતે જુનાગઢ જિલ્લાનાં ૩૦૦ થી વધુ શાળા સંચાલકોની મહત્વની બેઠક મળવાની છે.

ભરતભાઇ ગાજીપરા અને જતીનભાઇ  ભરાડે એક ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સ્વ. નિર્ભર શાળા માટે અલગ બે બેઠકો ફાળવવા રજૂઆત કરવા મહામંડળે પ્રયાસો હાથ ધર્યા છે. આ માટે દરેક જિલ્લામાં સંગઠનને મજબુત બનાવવા તેમજ જુનાગઢની બે અગ્રણી શાળા આલ્ફા સ્કુલનાં સંચાલકશ્રી જી. પી. કાઠી અને એકલવ્ય સ્કુલનાં સંચાલક શ્રી ચેતન શાહની મહામંડળ સલાહકાર બોર્ડમાં વરણી થતા તેઓનું પણ સન્માન પ્રસ્તુત કાર્યક્રમમાં થશે. જૂનાગઢ શહેર અને જિલ્લાની તમામ સેલ્ફ ફાયનાન્સ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનાં સંચાલકોને રવિવારે સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જી. પી. કાઠીએ અનુરોધ કર્યો છે.

(1:24 pm IST)