Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઉનામાં ૧૨ કલાકમાં ૩ાા ઈંચઃ સતત વરસાદથી ખેતરોમાં પાણીઃ ચોમાસુ પાકને નુકસાનની ભીતિ

ગઈકાલે બપોર બાદ ધીમી ધારે તથા ઝાપટારૂપે વરસાદ શરૂ થયેલઃ સવારે સૂર્ય પ્રકાશિત વાતાવરણઃ દરિયામાં ભારે મોજાઃ માછીમારો ફિશીંગમાં ગયેલ નથી

ઉના, તા. ૨૮ :. શહેરમાં ગઈકાલે ૧૨ કલાકમાં ધોધમાર ૩ાા (સાડા ત્રણ) ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારે મેઘરાજાએ વિરામ લીધો છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. ચોમાસુ પાકને નુકસાનીની ભીતિનું ખેડૂતો જણાવી રહેલ છે.

ગ્રામ્ય પંથકના દેલવાડા, નવાબંદર, અંજાર, સીમર, ખાપટ ૧ થી ૩ ઈંચ વરસાદ વરસી ગયો. ગીર ગઢડા તાલુકાના વડવીયાળા, જરગલી, જુડવડલી, દ્રોણમાં ૧ થી ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. નવાબંદર, સીમર, શૈયદ રાજપરા દરીયામાં મોજા ઉછળ્યા, કરંટ જોવા મળતા માછીમારો દરીયામાં ન ગયા.

ઉના શહેરમાં ગુરૂવારે રાત્રીના ૧૧ વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસી જતા તેમજ સવારે ૬ થી બપોરના ૧૨ વાગ્યા સુધી ધીમી ધારે તથા ઝાપટા રૂપે ૮૫ મી.મી. (સાડા ત્રણ ઈંચ) વરસાદ વરસી જતા સાંજે ૬.૦૦ સુધીમાં મોસમનો કુલ ૪૧ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગ્રામ્ય પંથક અમોદરા, દેલવાડા, નવાબંદર, અંજાર, સીમર, ખાપટમાં ૩ ઈંચ વરસાદ વરસી ગયાના અહેવાલ મળે છે. તેમજ ગીરગઢડા તાલુકાના વડવીયાળા, જરગલી, ફાટસર, ઈટવાયા, જુડવડલી, દ્રોણ પંથકમાં ૧ થી ૩ ઈંચ વરસાદ વરસી ગયો છે. સતત વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ પાકમાં મોટી નુકશાની થવાની ભીતિ સેવાય છે.

અરબી સમુદ્રમાં અપર સાયકલોન સર્જાતા હક્કા વાવાઝોડાની અસર દરીયામાં જોવા મળતા નવાબંદર, શૈયદ રાજપરા, સીમર બંદર ઉપર દરીયાના ઉંચા મોજા ઉછળતા જોવા મળે છે. જેને કારણે દરીયામાં માછીમારો મચ્છીમારી  કરવા  ગયા  નથી.

(11:47 am IST)