Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ભાવનગર અંધશાળા ખાતે 'પ્રજ્ઞાપંથી અવાજનાં અજવાળે' પ્રદર્શનનો પ્રારંભ : લાભ લેવા અપીલ

ભાવનગર, તા.૨૮: પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શકિતઓને વિકસાવવા તથા આમસમાજનાં લોકો પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓની વિશિષ્ટ આવડતથી પરિચિત બને તેવા હેતુસર ત્રિ-દિવસીય 'પ્રજ્ઞાપંથી અવાજનાં અજવાળે'-વિશિષ્ટ પ્રદર્શનનું ગઢડાનાં ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મારુંનાં વરધ્હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લુ મુકાયું હતું.

આ વિશિષ્ટ પ્રદર્શનમાં તા. ૨૬ થી ૨૮ દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા ઉભા કરાયેલ ૧૭ ઝોનથી પ્રજ્ઞાચક્ષુ બાળકોને અપાતા સ્પેશ્યલ એજયુકેશનની વિવિધ પધ્ધતિઓ, સંગીતની તાલીમ, વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, કોમ્પ્યૂટરનો ઉપયોગ, વિશિષ્ટ આધુનિક ઉપકરણોનો ઉપયોગ, ઈલેકિટ્રક મોટર રિવાઈન્ડીંગ, પ્રજ્ઞાચક્ષુ ગૃહિણીઓ માટેની હોમ સાયન્સની પ્રવૃત્તિઓ, સંપૂર્ણઅંધ અને અલ્પદ્રષ્ટિ ધરાવતા વ્યકિતઓની માનસિક સ્થિતિનો અનુભવ કરાવતો અલ્ટ્રા-વાયોલેટ ઝોન, વિવિધ ગૃહ-ઉદ્યોગોની બનાવટ અને રમત-ગમત જેવી અનેકવિધ પ્રવૃિ્તઓ પ્રદર્શિત કરવામાં આવશે.

સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ સંસ્થા પરિચય અને વિશિષ્ટ પ્રદર્શનની હેતુ સમજાવતા કહ્યું હતું કે, આવા પ્રદર્શનથી વર્તમાન સમયના સામાન્ય વિદ્યાર્થીઓ પ્રજ્ઞાચક્ષુઓની અસીમ શકિતથી પરિચિત થશે અને પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ માટે કોઈપણ કાર્ય અશકય નથી તેવો આત્મવિશ્વાસ તેમનામાં કેળવાશે-તેમનો દ્રષ્ટિકોણ આ બાબતે બદલાશે. પરિણામે ભવિષ્યમાં જયારે આવા વિદ્યાર્થીઓ ઉત્તમ સમાજની રચના માટે અગ્રેસર હશે. ત્યારે તેઓ પ્રજ્ઞાચક્ષુઓને પણ સાથે રાખી તેમની ક્ષમતા પર વિશ્વાસ મૂકવામાં અચકાશે નહીં. જેથી પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ પણ ઉત્તમ સમાજની રચના માટે પોતાનો ફાળો આપી શકશે.

પ્રદર્શનનાં પ્રથમ દિવસે જ કુલ ૨૫ થી વધુ શાળા-કોલેજ અને તેના વિદ્યાર્થીઓ સહિત ૧૩૦૦ થી વધુ શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપક અને નગરજનોએ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષશ્રી પ્રવીણભાઈ મારુ અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ તળાજાના ધારાસભ્યશ્રી કનુભાઈ બારૈયાએ સંસારની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે થતા આ કાર્યમાં સરકાર પણ વધુને વધુ રીતે સહયોગી બનશે તેવી રજૂઆત કરવા ખાતરી આપી હતી. સંસ્થાના પ્રમુખ શશીભાઇ વાધરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે લાઠીદડની ઉમિયા કન્યા વિદ્યાલયના સંચાલકો અને વિદ્યાર્થીની દીકરીઓ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનના ઉદદ્યાટન પ્રસંગે મહેમાનો અને ઉપસ્થિત વિદ્યાર્થીઓનું સ્વાગત સંસ્થાના માનદમંત્રી મહેશભાઈ પાઠકે અને આભાર દર્શન શાળાનાં આચાર્યશ્રી દ્યનશ્યામભાઈ બારૈયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા નીતાબેન રૈયાએ  કર્યુ હતું.(૨૩.૩)

(12:28 pm IST)