Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ભાવનગરમાં ડબલની લાલચ આપીને કરોડોની છેતરપીંડીઃ ૪ સામે ગુન્હો

કીમ ફયુચર વિઝન અને નેકટર કોમ્પ્રીશિયલ એસ્ટેટ લી.ના માલીક, ૩ એજન્ટો સહિતની સામે નાણા ડૂબી જતા ફરીયાદ

ભાવનગર તા. ર૮ :.. ભાવનગરનાં અનેક લોકોને બાટલીમાં ઉતારી ૬ વર્ષમાં ડબલની લાલચ આપી દિલ્હીની કંપનીએ કરોડો રૂપિયાનું કરી નાખતા નિવૃતો, સરકારી અધિકારી, વેપારી અને ગરીબોની પરસેવાની કમાણી ડૂબી જતાં ભારે દેકારો મચી જવા પામ્યો છે. કીમ ફયુચર વિઝન અને નેકટર કોમ્પ્રીશીયલ એસ્ટેટ લિ. નામની કંપનીનાં માલીક તેમજ સ્થાનીક ત્રણ એજન્ટો સહિત કુલ ચારની સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં લીલા સર્કલ પાસે સ્વતીક ઓર્કેટમાં રહેતાં દિપીકાબેન જયેશભાઇ કાલાણીએ સી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે કાનજીભાઇ રાણાભાઇ ખમલ (કરદેઝ) નાથુભાઇ ચૌહાણ અને જેન્તીભાઇ રાઠોડ તથા કંપનીના માલીક રવિન્દ્ર એસ. સંધુ (અમૃતસર-પંજાબ) સહિતના શખ્સો એ ભાવનગર જિલ્લાના પંચાયત સામે આવેલ ટીસી ટાવરમાં ૧૦પ ખાતે ખોલેલી કીમ ફયુચર વિઝન અને નેકટર કોમ્પ્રીશિયલ એસ્ટેટ લિ. નામની કંપનીમાં તેમના મામાજી સસરા એજન્ટ હોય તેમનાં હસ્તક બે લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. જેમાં તેમની ૬૧ હજારની એફડી જૂન માસમાં પાકી ગઇ હોવા છતાં પાકેલી રકમ આપવાનાં ગલ્લા તલ્લા કરી તેમની અને અન્ય સાહેદોનાં રૂ. ૧પ૦૪૮ર૦  ન ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી છે. પોલીસે આ અંગે બે સ્થાનીક સંચાલકોની અટકાયત કરી પુછપરછ  હાથ ધરી છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ આ કંપની એ છ વર્ષમાં ડબલની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપીંડી કરી છે. નાના અને મધ્યમ વર્ગનાં લોકો ઉપરાંત કેટલાક નિવૃત સરકારી અધિકારીઓએ પણ મોટી રકમ રોકાણ કર્યુ છે જેઓને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં પ૦૦ થી વધુ એજન્ટોએ ૬૦૦૦ જેટલા લોકો પાસેથી રૂપિયા લઇ આ કંપનીમાં રોકાણ કર્યુ હોય ભારે દેકારો મચી જવા પામ્યો છે. (પ-૧૪)

(12:21 pm IST)