Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અરવિંદ રાઠોડે ભાવનગરમાં ગુજરાતી કલાકાર પદ્મારાણીનું શ્રાધ્ધ કર્મ કર્યુ

ભાવેણાના વતની ગુજરાતી ચલચિત્ર જગતના પીઢ કલાકાર

ભાવનગર તા૨૮ : વર્ષો પૂર્વે ગુજરાતી ફિલ્મો તથા હિન્દી ફિલ્મોમાં વજનદાર ખલનાયક તરીકે અભિનયના ઓઝસ પાથરી લોકોને પોતાની કલાનો ધારદાર પરિચય આપનાર ૭૮ વર્ષિય પીઢ ગજજુ અદાકાર અરવિંદભાઇ છગનભાઇ રાઠોડનો જન્મ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં થયો હતો, પરંતુ પિતા છગનભાઇ દરજી કામના વ્યવસાય અર્તે અમદાવાદના રતનપોળમાં ફેમસ ટેઇલર નામુ દરજી કામ કરતા હોય અને ત્યા ંસ્થાયી થયા હોય આથી અરવિંદભાઇ પણ અમદાવાદ જઇ વસ્યા.

અભિનય કલાની કુદરતી બક્ષીસ પ્રાપ્ત થઇ હોય જેને લઇને ખુબજ નાની ઉંમરે અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. એક બાદ એક ગુજરાતી ફિલ્મો તથા નાટકોમાં પોતાની આગવી કલા પ્રેક્ષકોને પીરસી લાખ્ખો દર્શકોની વાહ-વાહી મેળવી અને પોતાનું સ્થાન બનાવ્યું જે તે સમયે ગુજરાતી ચિત્રપટનો સુવર્ણ યુગ ચાલી રહ્યો હોય મોટાભાગની ફિલ્મોમાં તેણે વિલન તરીકેના પાત્રો ભજવ્યા પરંતુ ખલનાયક તરીકેનો અભિનય અને આગવી છટાના કારણે નાયકનું પાત્ર પણ ઝાંખુ પડી જતું ૫૦ વર્ષની સફળ કેરીયરમાં અરવિંદભાઇએ ૧૫૦ થી વધુ હિન્દી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો તથા નાટકોની સંખ્યા ગણી શકાય તેમ નથી.

ફિલ્મ વ્યવસાય સંદર્ભે અમદાવાદથી મુંબઇ જઇ વસેલ અરવિંદભાઇએ મુળ મહારાષ્ટ્રના વતની એવા હિન્દી ગુજરાતી મરાઠી ફિલ્મમાં હિરોઇન તથા અન્ય પાત્રોમાં જીવંત પ્રાણ પુરનાર સ્વર્ગસ્થ પદ્મારાણીના સંપર્કમાં આવ્યા તેઓએ સાથે અનેક ફિલ્મો, નાટકોમાં સાથે કામ કર્યુ અને અરવિંદભાઇએ જીંદગીના ૪૦ વર્ષ લીવ ઇન રીલેશનશીપમાં સાથે રહ્યાં અને તા. ૨૫-૧-૨૦૧૬ ના રોજ મુંબઇમાં ટુંકી બિમારીના અંતે પદ્મારાણીએ સિને વગત અને આ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી.

ધર્મ-કર્મમાં અતુટ શ્રધ્ધા ધરાવતા અરવિંદભાઇએ મુંબઇથી ભાવનગર આવી શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવના મંદિર ખાતે તેમના કુળ ગોૈર વિરલ જોષીના હસ્તે શ્રાધ્ધ કર્મ કર્યુ. આ કાર્ય થકી અરવિંદભાઇએ દાખલો બેસાડયો કે વિધિ-વિધાન કે સમાજની હાજરીમાં પરિણય સુત્રથી બંધાવાથી જ પત્ની તરીકેની નામના નથી મળતી પરંતુ સાચો પ્રેમ અને લાગણી થકી જોડાયેલા સબંધો પર કોઇ પ્રશ્નાર્થ નથી હોતો.

 અરવિંદભાઇનો બહોળો પરિવાર ભાવનગરમાં જ વસે છે. અહીં તેમના ભાણેજ યોગેશભાઇ માંડલીયા સહિતના સંબંધીઓ વસે છે અને ઘનિષ્ઠ પારિવારિક સંબંધો આજે પણ કાયમ છે. તેઓ અવાર-નવાર ભાવનગર આવે છે અનેવતન પ્રેમ કાયમ રાખે છે.(૩.૧)

(12:19 pm IST)