Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વાંકાનેરમાં જીતુભાઇ સોમાણીના ઉપવાસના મંડાણ

વાંકાનેરમાં પદયાત્રીકોના યુવા મંડળના સ્વયંસેવકોને પીઆઇ વાઢીયાએ ધમકી આપવાના કારણોસર

વાંકાનેર, તા.૨૮:  વાંકાનેરના યુવાનો છેલ્લા ઘણાં સમયથી હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક એવા માતાના મઢ ખાતે જતાં પદયાત્રીઓની સેવા માટે કાર્યરત છે. વાંકાનેર થી માતાનામઢ સુધી પદયાત્રીઓ માટે ઠંડા પીણા, ફ્રુટ, નાસ્તો અને દવાઓની સેવા આ યુવાનો કરી રહ્યા છે. આ યુવાનો પોતાની પોકેટમનીમાંથી પંદરસો પંદરસો રૂપિયા ઉઘરાવી અને બાકીના પૈસા માટે ફાળો એકત્રિત કરે છે. આવા સારા કાર્યો માટે યુવાનો પોતાનો કિંમતી સમય આપી સેવા ચાકરી કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે વાંકાનેરના પીઆઇ બી.ટી.વાઢીયાએ ગેરવર્તન કરતા રોષે છવાયો છે જેના વિરોધમાં જીતુભાઇ સોમાણીએ પોતાના ઘરે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે.

જીતુભાઇ સોમાણીએ વધુમાં  જણાવ્યુ કે, તાજેતરમાં આ યુવા મંડળ આગામી નવરાત્રીમાં પગપાળા માતાના મઢે જતાં શ્રદ્ઘાળુઓની સેવા ના આયોજન માટે લોકફાળો એકત્રિત કરવા માટે વાંકાનેર ટોલનાકા પાસે ગયેલ અને વાહનચાલકો પાસે સ્વેચ્છીક ફંડ ઉઘરાવતા હતા ત્યારે ત્યાં વાંકાનેર સીટી પીઆઇ બી.ટી.વાઢીયા પોતાની સરકારી ગાડી લઇ આવેલ અને આ ફાળો ઉઘરાવતા સ્વયંસેવકોને અભદ્ર ભાષામાં વાત કરી, ગાળો આપી અને ધમકી આપેલ કે અહીં આવો કોઇ ફાળો એકત્રિત કરવો નહીં આ રોડ તમારા બાપનો નથી જો હવે કયારેય અહીં જોયા તો અંદર કરી દઈશ એમ કહી આ યુવાનો કોઈ મોટા ગુનેગારો હોય તેવું વર્તન કરી અને ત્યાંથી સો નંબરની ગાડી બોલાવેલ. સો નંબરની ગાડી માં આવેલ પોલીસે પણ આ યુવાનો સાથે ધમકીભર્યા સ્વરે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તેમને ત્યાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

જે અંગે અગ્રણી જીતુભાઇ સોમાણીને રજૂઆત કરતાં જીતુભાઇ સોમાણીએ જણાવેલ કે ગુજરાત સરકાર જયારે નવરાત્રીમાં માતાજીની આરાધના કરવા માટે મીની વેકેશન જાહેર કરે છે ત્યારે આ પી.આઈ. નવરાત્રીનો ફાળો ઉઘરાવતા લોકો સાથે આવું અભદ્ર વર્તન કરી રહ્યા છે, હિન્દુસ્તાનમાં દરેક ધર્મના લોકો તેમના ધાર્મિક ઉત્સવો લોકફાળા દ્વારા જ કરી રહ્યા છે ત્યારે વાંકાનેરમાં હિંદુ ધાર્મિક તહેવારો માટે ફાળો એકત્રિત કરવો એ ગુનો છે? મુસ્લિમ લોકો ઉર્ષ તેમજ તાજીયાનો ફાળો ત્યાં ઉઘરાવે છે તેને કોઈ રોકટોક નહીં પરંતુ હિન્દુ સમાજના કોઈ ઉત્સવ આવે ત્યારે જ નીતિ નિયમો બતાવવામાં આવે છે. વાંકાનેર શહેરમાં બેરોકટોક દારૂ અને અન્ય ગેરકાયદેસર ધંધા ચાલે છે તેને કોઈ નીતિનિયમ નડતા નથી પરંતુ હિંદુ ધાર્મિક ઉત્સવો માટે હંમેશા અન્યાયી વર્તન કરવામાં આવે છે.

વાંકાનેર સીટી પીઆઇ બી.ટી.વાઢીયાની હિંન્દુ ઉત્સવ પ્રત્યેની નફરત અને યુવા સ્વયંસેવકો સાથે ગુનેગારો જેવું વર્તનના વિરોધમાં જીતુભાઇ સોમાણી અને તેમના સમર્થકો આજે સવારના તેમના નિવાસસ્થાને ગ્રીષ્મકુટીર, બાપુના બાવલા પાસે દિવાનપરા માં ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.(૨૩.૭)

(12:19 pm IST)