Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

દુનિયાની સૌથી મોટી 'ગણેશપૂજા' નો વર્લ્ડ રેકોર્ડ ગુજરાતના નામે-ભુજની 'મહાપૂજા'ની ગીનીઝ બુકે લીધી નોંધ

ભુજ, તા.૨૮: દેશ અને દુનિયામાં પોતાના ઇષ્ટ દેવની પૂજા ના અનેક કાર્યક્રમો થતા હશે, પણ પૂજા નો વર્લ્ડરેકોર્ડ ગીનીઝ બુક મા ભુજના નામે વિશ્વ ની સૌથી મોટી સંગીતમય 'મહાપૂજા' તરીકે નોંધાયો છે,અને તેનું નિમિત્ત બન્યા છે, જાણીતા કચ્છી નોબત વાદક શૈલેષ જાની !!

હિન્દુ-મુસ્લિમ ૨૬૨ કલાકારોએ સાથે મળી છેડયો રાગ મલ્હાર

ન્યૂઝ૪ કચ્છ સાથે વાત કરતા નોબત વાદક શૈલેષ જાની એ જણાવ્યું હતું કે, ભુજના જયનગર વિનાયક યુવક મંડળના ગણેશોત્સવ ને ૨૧ વર્ષ પૂર્ણ થતાં અમે નક્કી કર્યું કે કચ્છમા ખેંચાયેલા વરસાદને પગલે વરુણદેવ ને રિઝવવા સંગીતમય મહાપૂજા સાથે વિઘ્નહર્તાની આરતી યોજીએ. વિનાયક યુવક મંડળની પહેલને પગલે શૈલેષ જાનીએ કચ્છના સંગીત કલાકારો ને વિઘ્નહર્તા ગણેશજીની મહાપૂજા મહાઆરતી મા જોડાવવા અપીલ કરી. તેને પગલે ઓસમાણ મીર સહિત ૬૦ થી પણ વધુ મુસ્લિમ કલાકારોએ મહોરમ હોવા છતાંયે વરુણદેવને રિઝવવા માટે ગણેશજીની મહાપુજા, મહાઆરતી મા જોડાઈને કચ્છની કોમીએકતા ના દર્શન કરાવ્યા હતા. એક સાથે કુલ ૨૬૨ સંગીત કલાકારોએ સાથે મળીને રાગ મલ્હાર છેડી પોતાના સંગીતના સૂર છેડીને વિઘ્નહર્તા ગણેશજીને કચ્છનું અછતનું વિઘ્ન હરવા પ્રાર્થના કરી હતી. એક સાથે એક છત્ર તળે ૨૬૨ સંગીત કલાકારોની આ મહાઆરતી ને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા દુનિયાની સૌથી મોટી પૂજા ગણાવીને તેનું સર્ટિફિકેટ આપ્યું હતું. આમ વિશ્વની સૌથી મોટી મહાપૂજા નો વિશ્વ વિક્રમ ભુજ ના નામે નોંધાયો છે. કચ્છને આ ગૌરવ અપાવવામાં નિમિત્ત બનેલા નોબત વાદક શૈલેષ જાનીએ સહયોગી બનેલા કચ્છના તમામ સંગીત કલાકારો પ્રત્યે આભાર ની લાગણી વ્યકત કરી હતી.

સવા લાખ રૂ.એકઠા કરીને કરાઈ મેડિકલ સહાય..

આ મહાપૂજા મહાઆરતી દરમ્યાન જયનગરના રહેવાસી યુવાન કપિલ જીવરાજ આહીરના મગજની ઇજાને કારણે કરાયેલા ઓપરેશન માટે મદદ ની ટહેલ નખાઈ હતી. જેને પગલે સ્થાનિક રહેવાસીઓ અને નારાયણધામ ભજન મંડળ દ્વારા સવા લાખ રૂ. એકઠા કરાયા હતા. ઇજાગ્રસ્ત કપિલ નું ઓપરેશન કચ્છી દાતા ધનસુખભાઈ લીંબાણી દ્વારા સંચાલિત અર્પિતા હોસ્પિટલ અમદાવાદ મધ્યે કરાયું હતું. ઓપરેશન માટે એકઠા કરાયેલા સવા લાખ રૂ.ની આર્થિક મદદ ઉપરાંત વધારાનો તમામ ખર્ચ અર્પિતા હોસ્પિટલે ભોગવ્યો હતો.

મહાપૂજા મહાઆરતીના કાર્યક્રમને બોલીવુડ ના જાણીતા ગાયક, કચ્છી માડુ ઓસમાણ મીર અને શાસ્ત્રી કશ્યપપ્રસાદ જોશી(મોટા ભાડીયા) એ દીપપ્રાગટય દ્વારા ખૂલ્લો મુકયો હતો. તેમની સાથે સાંસદ વિનોદ ચાવડા, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, એપીએમસી ના પૂર્વ ચેરમેન મનુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.પ)

(12:18 pm IST)