Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ઓનલાઈન વેચાણનો વિરોધઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેડિકલ સ્‍ટોર બંધ

મેડિકલ સ્‍ટોર ધારકો દ્વારા એક દિવસની હડતાલ પાડીને આક્રોશ ઠાલવ્‍યો

રાજકોટ, તા. ૨૮ :. ઓનલાઈન દવાના વેચાણ સામે વિરોધ વંટોળ થયો છે ત્‍યારે આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેડિકલ સ્‍ટોરધારકો દ્વારા સજ્જડ બંધ પાળીને રોષ ઠાલવી રહ્યા છે.

આજે સવારથી ગામે-ગામ મેડિકલ સ્‍ટોર બંધ રાખવામાં આવ્‍યા છે અને દેશવ્‍યાપી બંધના એલાનમાં જોડાઈને આક્રોશ ઠાલવી રહ્યા છે.

ભાવનગર

ભાવનગરઃ ઓલ ઈન્‍ડિયા કેમિસ્‍ટ એસોસીએશન દ્વારા આજે સમગ્ર ભારતની દવા બજારનું દેશવ્‍યાપી બંધ આપવામાં આવેલ છે. ભાવનગર જિલ્લા કેમિસ્‍ટ એસોસીએશનના પ્રમુખ પ્રદિપભાઈ મહેતાએ જણાવ્‍યુ છે કે, ગેરકાયદેસર ઓનલાઈન દવાઓના વેચાણ ઉપર તાત્‍કાલિક પ્રતિબંધ મુકવામાં આવે, તે અતિ મહત્‍વનો તેમજ ગંભીર મુદ્દો છે. ઈ-ફાર્મસી દવાના વેચાણથી સમાજ વ્‍યવસ્‍થા ઉપર આડી અસર પડે તેમ છે. હિન્‍દુસ્‍તાનમાં (૯) નવ લાખ કેમિસ્‍ટો છે. તેમની સાથે પરિવાર અને કર્મચારીઓને જોડીએ તો (૫૫) પંચાવન લાખ લોકો દવાના વ્‍યવસાય સાથે જોડાયેલા, બેરોજગાર બની શકે તેમ છે.

ઓનલાઈન દવાઓના વેચાણ દ્વારા સમાજમાં નશીલી દવાઓનું વેચાણ વધી શકે અને યુવાધન વેડફાઈ શકે તેવી ગંભીર પરિસ્‍થિતિ સર્જાય શકે. તેમજ કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી, જનઔષધ, દિનદયાળ વિગેરે મેડીકલ સ્‍ટોર ખુલ્લા મુકવામાં આવેલ છે ત્‍યારે ક્‍યારેય અમારી માતૃસંસ્‍થાએ વિરોધ પ્રદર્શિત કરેલ નથી. તેમજ દવાઓના ભાવ વધારો-ઘટાડો કરવાની નીતિ કેન્‍દ્ર સરકારની નેશનલ ફાર્મા પ્રાઈઝ ઓથોરીટી દ્વારા નક્કી કરવામાં આવે છે. દવાઓ સસ્‍તી થાય તેવા પ્રજાલક્ષી અભિગમમાં સમગ્ર કેમિસ્‍ટોનો સાથ હોય જ, છતાં દવા બજાર કારણ વગર બદનામ થાય છે. તેમજ ગેરકાયદેસર ઓનલાઈન દવાના વેચાણથી હાલના કેમિસ્‍ટોના દવાનો વ્‍યવસાય બંધ થશે તે માટે એઆઈઓસીડી, ગુજરાત ફેરડેશને વારંવાર સરકારને રજૂઆત કરેલ છે ન છુટકે દેશવ્‍યાપી બંધ આપેલ છે.

જિલ્લાના કેમિસ્‍ટો સદંતર બંધ પાળશે અને રેલી દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર આપશે. દર્દીને તકલીફ ન પડે તે માટે સંસ્‍થા દ્વારા ઈમરજન્‍સી દવાઓ માટે વ્‍યવસ્‍થા કરેલ છે.

જસદણ

જસદણઃ જસદણના મેડીકલ સ્‍ટોર્સના વેપારીઓએ આજે શુક્રવારે સવારથી જ બંધ પાળી રાષ્‍ટ્રવ્‍યાપી હડતાલમાં જોડાયા હતા. જો કે ઈમરજન્‍સી દવા માટે કેટલાક સ્‍ટોર્સ ખુલ્લા પણ રાખ્‍યા હતા. કેન્‍દ્ર સરકાર ગેઝેટ નોટીફીકેશન બહાર પાડી દવાઓને ઓનલાઈન વેચાણ માટે કાયદેસરતા આપવા જઈ રહી છે. આ બાબતે ઓલ ઈન્‍ડિયા એસોસીએશનનો લેખીત વિરોધ છતા સરકારે મચક ન આપતા તેમણે આજે બંધનું એલાન આપેલ. તેના પગલે જસદણના મેડીકલ સ્‍ટોર્સ બંધ રહ્યા હતા.

મોરબી

મોરબીઃ દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના મેડીકલ સ્‍ટોર્સ દ્વારા આજે શુક્રવારે એક દિવસની હડતાલ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્‍યો છે. જેમાં મોરબીના મેડીકલ સ્‍ટોર્સ પણ જોડાયા હતા. મોરબીના ૧૭૦ મેડીકલ સ્‍ટોર્સ પૈકીના ૧૬૭ સ્‍ટોર બંધ રહ્યા હતા. જ્‍યારે દર્દીઓને મુશ્‍કેલી ના પડે અને ઈમરજન્‍સી સેવાઓ ના ખોરવાય તેવા હેતુથી ૩ મેડીકલ સ્‍ટોર્સ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. સરકારે ઓનલાઈન દવાઓના વેચાણને આપેલી મંજુરીના વિરોધમાં મેડીકલ સ્‍ટોર્સ સંચાલકો નારાજ છે અને એક દિવસ હડતાલ કરી વિરોધ કરી રહ્યા છે.

(11:17 am IST)