Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ર મહિલાનો કોંગો ફીવરે ભોગ લીધા બાદ ઝાલાવાડના ૮ દર્દીઓ સારવારમાં

૩ શંકાસ્પદ દર્દીઓ : મૃતક વૃદ્ધાની સારવાર કરનાર તબીબને પણ તાવ : જો કે રિપોર્ટ નેગેટીવ : આરોગ્ય વિભાગની દોડધામ : કોંગો અસરગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવનાર ર૧ વ્યકિતઓ નિરીક્ષણ હેઠળ-રોગચાળો વધુ પ્રસરે નહીં તે માટે રાજયનું આરોગ્ય તંત્ર સજ્જ : આરોગ્ય કમિશનર જયંતિ રવિ

વઢવાણ, તા. ર૮ : સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી પંથકમાં ર મહિલાઓના કોંગો ફીવરના રોગથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે હજુ ૮ દર્દીઓ સારવારમાં છે.

લીંબડી તાલુકાથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલા જામડી ગામે બે વૃદ્ધ મહિલા સુખીબેન કરસનભાઇ મેણિયા અને લીલાબેન વામાભાઇ સીંધવની તબિયત લથડતા બન્નેને સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સી.યુ.શાહ હોસ્પિટલમાં તા. ર૦મીએ સારવાર દરમિયાન લીલાબેન સીંધવનું મૃત્યુ થયું હતું. જયારે સુખીબેન મેણિયાને વધુ સારવાર માટે અમદાવાદ એસ.વી.પી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જયાં તા. ર૦મીએ જ રાતના તેમનું મૃત્યુ થયું હતું.

અમદાવાદ વી.એસ. હોસ્પિટલ દ્વારા સુખીબેનના શંકાસ્પદ મૃત્યુના મામલે બ્લડ સીરમ સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. જેમાં સુખીબેનનું મૃત્યુ કોંગો ફીવરથી થયાનો ઘટસ્ફોટ થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. લીમડી તાલુકાની આરોગ્ય ટીમને આ બાબતની તાકીદ કરવામાં આવતા પાંચ ટીમોએ ઘરે ઘરે જઇને ફોગિંગ કર્યું હતું અને પશુઓના વાડામાં સાફસફાઇ કરી હતી. પશુ ચિકિત્સકોએ સાથે રહીને તપાસ આદરી હતી. લીંમડીના આસપાસના ગામોના લોકોને આ રોગ બાબતે સાવચેત કરવામાં આવ્યા હતાં.

અમદાવાદની એસ.વી.વી. હોસ્પિટલ ખાતે દર્દીના કે તેના ફલ્યુઇડના સંપર્કમાં આવેલા તમામ ડોકટર્સ, નર્સિગ સ્ટાફ, લેબોરેટરી, એકસ-રે તથા હાઉસ કીપીંગ સ્ટાનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું તેમજ તમામની મેડીકલ તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી હાલમાં તાવ જેવા લક્ષણો ધરાવતા કુલ ત્રણ સ્ટાફ મેમ્બરને અલગ આઇસીયુમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ તમામની તબિયત સ્થિર છે.

દરમિયાન રપ ઓગસ્ટ પહેલા અગાઉથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ રપ વર્ષીય દર્દીનો ઇતરડીથી ફેલાતા કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ હોવાનું માલુમ પડતા તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના લોહીના નમુના પણ પૂના વાઇયોરોલોજી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

આરોગ્ય કમિશનર જયંતી રવિએ જણાવ્યું હતું કે, પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં આ રોગ વધારે થાય છે. તેમણે ઉમેર્યું કે, જામડી બોરાણા ગામે ૭૦૦થી વધારે વસતિનું દૈનિક ધોરણે સર્વેલન્સ કરીને આ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેવા ર૧ વ્યકિતને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. આ ગામમાં જ આરોગ્ય વિભાગ દ્વારા ઓ.પી.ડી. શરૂ કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા આ ગામના પર૮ પશુઓ પર કીટનાશકોની પ્રક્રિયા કરાઇ છે. ૯ પશુઓના સીરમ અને ૯ પશુઓની ઇતરડીના નમૂના લઇ તપાસ માટે મોકલાયા છે. આ રોગને પ્રસરતી અટકાવવા આરોગ્ય તંત્રી સજ્જ છે.

શહેરની એસવીપી હોસ્પિટલમાં સુરેન્દ્રનગર જીલ્લાનાં વધુ ૩ દર્દીઓ દાખલ થતાં શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધીને ૮ થઇ છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ એક વૃદ્ઘાનું કોંગો ફીવરને કારણે મૃત્યું થયું હતું. તે વૃદ્ઘાની સારવાર કરનાર રેસિડન્ટ ડોકટરને પણ તાવ આવતા તેમનો રિપોર્ટ કરાવ્યો હતો. પૂનાની લેબોરેટરીમાં કરાવેલ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ૧ ડોકટર, ૨ મહિલા પેરામિડિકલ સ્ટાફ, ૧ સફાઇની દેખરેખ રાખનાર કર્મચારી, ૧ રાયખડનાં ૨૫ વર્ષનાં યુવાનને કોંગોની અસર છે કે નહીં તેની તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. જેમાંથી ૧ નવા ડોકટરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જયારે અન્ય લોકોનાં રિપોર્ટ હજી આવ્યાં નથી. (૮.ર૦)

(3:57 pm IST)