Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

કચ્છમાં કોંગ્રેસ દ્વારા ઘાસચારા મુદ્દે ગાયો સાથે વિરોધ પ્રદર્શન : હળવો લાઠીચાર્જ

ઘાસચારા માટે કલેકટર તંત્રને ૮ દિવસનું અલ્ટીમેટમ

ભુજ તા. ૨૮ : કચ્છમા ઘાસચારાની ઉભી થયેલી કટોકટી સંદર્ભે કચ્છ કોંગ્રેસે ઉગ્ર વિરોધ સાથે સરકાર અને વહીવટીતંત્રને આડે હાથ લીધું હતું. કચ્છમાં મૂંગા પશુઓ માટે ભૂખમરાની પરિસ્થિતિ છે તે દર્શાવવા કચ્છ જિલ્લા કોંગ્રેસ ગાયો સાથે કલેકટર કચેરીને ઘેરાવ કરવાની હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગૌરક્ષા ની વાતો કરતી ભાજપ સરકાર ઘાસચારા માટેની રજૂઆતો સાંભળતી નથી એટલે અમે મૂંગા પશુઓના વેદનાભર્યા ભાંભરડા સાંભળીને સરકાર જાગે એટલે ગાયો ને લઈ આવ્યા હતા.

જોકે, કોંગ્રેસના આ આશ્યર્યજનક કાર્યક્રમ ને પગલે પોલીસે ગાયોને આગળ જ અટકાવી દીધી હતી. પણ, કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો કલેકટર કચેરીમાં રજુઆત માટે પહોંચ્યા હતા. જયાં કચ્છ કોંગ્રેસે કલેકટર સમક્ષ ઘાસચારાની અછત ના કારણે એકલ દોકલ પશુઓના થઈ રહેલા મોત તેમ જ પશુઓ માટે સર્જાયેલી ભૂખમરાની સ્થિતિ અંગે ઉગ્ર રજુઆત કરી હતી. પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમે ઘાસચારાની વ્યવસ્થા નહીં થાય તો કચ્છ આવતા રાજય ના મંત્રીઓ ને ઘેરાવની, સરકારી કાર્યક્રમોના બહિષ્કાર નું અલ્ટીમેટમ આપ્યું છે. જોકે, કલેકટર રેમ્યા મોહને કોંગ્રેસના આગેવાનોને આઠ દિવસમાં કચ્છમા ઘાસચારા ના જથ્થો વધશે અને તંગી નહી રહે એવું જણાવ્યું હતું.

દરમ્યાન કલેકટર સમક્ષ રજુઆત માટે આવવાનો આગ્રહ રાખતા કચ્છ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાવતા ઘર્ષણ થયું હતું. જે દરમ્યાન ધક્કામુક્કી થતા કાંચ તૂટી ગયો હતો. પોલીસના બળપ્રયોગને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કોંગ્રેસ પમુખ યજુવેન્દ્રસિંહે હળવા લાઠીચાર્જ ના કારણે કોંગ્રેસના બે થી ત્રણ કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાવ્યું હતું. આ પૂર્વે જયુબીલી ગ્રાઉન્ડ સામે કોંગ્રેસે ધરણા કર્યા હતા. ધરણા છાવણી માં કચ્છ કોંગ્રેસના આગેવાનોએ અછત ની પરિસ્થિતિને પહોંચી વળવામાં સરકાર અને વહીવટીતંત્ર નિષ્ફળ હોવાનું અને મૂંગા પશુઓની વેદના અને પશુપાલકોની લાચારીની દરકાર કરવાને બદલે સરકાર અને વહીવટતંત્ર રણોત્સવ જેવા તાયફા ના કાર્યક્રમોની મીટીંગો માં વ્યસ્ત છે.

કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય સંતોકબેન પટેલ, પ્રદેશ આગેવાનો જુમા રાયમા, નવલસિંહ જાડેજા, આદમ ચાકી, જિલ્લા પંચાયત ના કોંગ્રેસી સભ્યો વી.કે. હુંબલ, કિશોરસિંહ જાડેજા, હઠુભા સોઢા, રશીદ સમા, મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોશી સહિત કોંગ્રેસના પાંચ સેલ ના પ્રમુખો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા- તાલુકાના સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(3:54 pm IST)