Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

એસ.ટી.બસમાં અનામત સિટોનું રિઝર્વેશન કરાવવાનું બંધ કરો

પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાની રજુઆત

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા. ર૮ : જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે એસ.ટી. નિગમની બસોમાં સ્વાતંત્ર્ય સેનાની માટે સીટ નં. ૧ તથાર, (ર) દિવ્યાંગ વ્યકિત માટે ૩,૪,પ અને ધારાસભ્ય માટે ૧૧ અને ૧ર નંબરની સીટ અનામત રાખવામાંં આવેલ છે. સીટ ઉપરની બાજુએ લખવામાં પણ આવેલ હોય છે. બસમાં અન્ય સીટો ખાલી હોવા છતા આ સીટોનું ઓન લાઇન રીઝર્વેશન અન્ય મુસાફરો માટે કરવામાં આવે છ. આ સીટોનું રીઝર્વેશન ન કરવા માટે અનેક વખત રજુઆત કરવામાં આવેલ છે પરંતુ કોઇ ઉકેલ આવેલ નથી.

આ સીટોનું રીઝર્વેશન થવાથી ઘણી વખત સ્વાતંત્ર્ય સેનાની, દિવ્યાંગ વ્યકિત કે ધારાસભ્યોની રીઝર્વ સીટ હોવા છતા બેસવાની જગ્યા મળતી નથી જેથી ના છુટકે આ બાબતે વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફડદુના કાર્યાલયે રૂબરૂ મળી લેખિત રજુઆત કરેલ છે કે આ સાત સીટોને ઓન લાઇન અરજીથી બુકીંગની વ્યવસ્થામાંથી બાદ કરવી જોઇએ (ખાલી રાખવી જોઇએ).

આ સીટો ખાલી હોય તો ગમે તે વ્યકિત બેસી શકે પરંતુ રીઝર્વેશન કરવામાં આવે છે તે કોઇપણ સંજોગોમાં વ્યાજબી નથી જેથી આ બાબતે યોગ્ય નિર્ણય લઇ ઘટતું કરવા મંત્રી કાર્યવાહી કરે અને આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવે તેવી અપેક્ષા ભીખાભાઇ બાંભણીયાએ વ્યકત કરી છે.

(2:44 pm IST)