Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પૂ. મુકતાનંદબાપુની પ્રેરણાથી ચાંપરડા જય અંબે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા ધારીના પત્રકાર હસમુખભાઇ દવેના સ્મરણાર્થે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન મેગા કેમ્પ યોજાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૭: ધારી મુકામે દામાણી પ્રા. શાળામાં આજરોજ ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ આયોજિત,  નિડર પત્રકાર સ્વ. હસમુખભાઈ દવેના સ્મરણાર્થે, જય અંબે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના માધ્યમથી અને પૂ. મુકતાનંદ બાપુની પ્રેરણાથી સર્વ રોગ નિદાન કેમ્પ એવા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

સૌ પ્રથમ સર્વરોગ નિદાન કેમ્પની શરૂઆત પહેલાં ધારી શહેરના મહાનુભવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી મેગા કેમ્પની મંગલ શરૂઆત કરવામાં આવી .આ કેમ્પમાં ધારી શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પીડિત દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો

જય અંબે હોસ્પિટલના તમામ રોગના નિષ્ણાત તબીબો દ્વારા વિનામૂલ્યે નિદાન તથા વિનામૂલ્યે જરૂરિયાત મુજબ દર્દીઓને દવા આપવામાં આવેલ. ઉપરોકત કેમ્પમાં સ્ત્રીરોગ, આંખ, હાડકા, હૃદયરોગ ડાયાબિટીસ તેમજ નાના-મોટા અસાધ્ય રોગોનું નિદાન કરી સ્થળ ઉપર જ દર્દીઓને દવાઓ આપવામાં આવેલ.

ઉપરોકત કેમ્પમાં ધારી, બગસરા, ચલાલા, ખાંભા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા, અમરેલી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ભુપતભાઈ વાળા ,ધારી તાલુકા પંચાયતના પ્રમુખ અતુલભાઇ કાનાણી, ધારી ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઈ જોશી, પૂર્વ તાલુકા પ્રમુખ બિછુભાઈ વાળા, ગાયત્રી ફાઉન્ડેશનના ચેરમેન હિતેશભાઈ જોશી, વેપારી સંગઠનના પ્રમુખ વિનુભાઈ કાથરોટીયા, ઇલેકટ્રોનિક મીડિયાના પ્રેસ  પ્રતિનિધિ ટીનુભાઇ લલીયા,  પત્રકાર અરવિંદભાઈ દવે, વિસાવદર વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, વેપારી એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ રુપારેલીયા  અનવરભાઈ લલીયા,ખાસ ઉપસ્થિત રહેલ.

ઉપરોકત કેમ્પને સફળ બનાવવા માટે ધારીના બાહોશ પત્રકાર અરવિંદભાઈ દવે, જીગ્નેશગીરી , કૌશિકભાઈ વ્યાસ,  રાજેશભાઈ વાઘેલા,ના અથાગ પ્રયાસો, ધારી વેપારી સંગઠનના સહયોગથી,ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને  જય અંબે હોસ્પિટલના  ડોકટર્સ ટીમ સાથેના તમામ  સ્ટાફે સારી એવી જહેમત ઉઠાવેલ. તેમ ચાપરડા હોસ્પિટલના ટેકનિશિયન વિભાગના રાહુલ વિકમાની અખબાર યાદી જણાવે છે.

પત્રકાર શ્રી દવેએ ૫૮વાર રકતદાન કર્યુ હતું

ધારીના પત્રકાર સ્વ. હસુભાઈ દવે પત્રકાર સમાજસેવકની સાથોસાથ રકતદાતા પણ હતા તેઓ દ્વારા અનેકવાર લોહીની જરૂરત વાળા દરદીઓને બહારગામ જઈને પણ રકતદાન કર્યુ હતું અને તમામ જીવો માટે દયાભાવ રાખી સાધુસંતો પાસે સમય વિતાવવાનું પસંદ કરતા હતા તેમજ જીવનમાં ૫૮ વાર રકતદાન પણ કયુઁ હતુ. 

(1:00 pm IST)