Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ભારતમાં વસ્‍તી નિયંત્રણ કાયદો જરૂરી

 

જામજોધપુરઃ ભારતમાં પ્રત્‍યેક મિનીટે ૩૩ બાળકો પા પા પગલી કરતા આવે છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશની સરકારે વસ્‍તી નિયંત્રણની નીતિ જાહેર કરેલ છે. તેની સાથોસાથ ભારતમાં અન્‍ય રાજ્‍યો પણ વસ્‍તી નિયંત્રણ નીતિ જાહેર કરવા માગે છે. ગુજરાત સરકાર પણ આ નીતિ વિશે ગંભીરતાપૂર્વક અભ્‍યાસ કરી રહેલ છે.

ભારતમાં વસ્‍તી વધારાની ગંભીર સમસ્‍યા જોવા મળે છે. ભારતમાં વસ્‍તી વધારો કુદકે અને ભૂસકે વધી રહેલો છે.

ભારતની મુખ્‍ય ત્રણ સમસ્‍યાઓ છે. આ ત્રણ સમસ્‍યાઓ પી થી શરૂ થાય છે.

પી - એટલે પોપ્‍યુલેશન (વસ્‍તી)

પી - એટલે પ્રોપર્ટી (ગરીબી)

પી - એટલે પોલ્‍યુશન (પ્રદુષણ)

આ ત્રણેય સમસ્‍યાઓમાં વસ્‍તીની સમસ્‍યા સૌથી વધારે વિકટ છે. ભારતમાં ૧૯પ૧ માં ૩૬ કરોડની વસ્‍તી હતી. ૧૯૦૧ માં ભારતની વસ્‍તી ૧૦ર કરોડની હતી. ૧૯૧૧ માં ભારતની વસ્‍તી ૧ર૧ કરોડની હતી. વર્તમાન સમયમાં ભારતની વસ્‍તી ૧૩૦ કરોડ કરતા વધારે અંદાજવામાં આવે છે.

ભારતનો ઝડપી વસ્‍તી વધારો ભારતના આર્થિક વિકાસને રાત્રીના ચોરની માફક લૂંટી રહેલો છે. વસ્‍તી વધારો કેન્‍સર સમાન છે. ભારતીય અર્થ તંત્રને કોરી રહ્યો છે.

વિશ્વમાં સૌથી વધારે વસ્‍તી ચીનમાં છે. વસ્‍તીની બાબતમાં ભારતનો બીજો નંબર છે. જો વસ્‍તી વધારો અટકાવામાં નહી આવે તો વસ્‍તીની બાબતમાં ચીન કરતા ભારત આગળ હશે.

વસ્‍તી વધારો અટકાવા માટે કુટુંબ નિયોજનનો અમલ અને પ્રચાર જે રીતે થવો જોઇએ તે રીતે થઇ શકેલો નથી. તેના અનેક કારણોમાં એક કારણ ભારતની અજ્ઞાન અને અંધશ્રધ્‍ધાળુ પ્રજા છે. આવા લોકો એમ માને છે કે, બાળકો થવા કે ન થવા એ ઇશ્વરની દેણ છે. ભારતમાં ગરીબી પણ વસ્‍તી વધારાનું એક મુખ્‍ય કારણ છે. ગરીબ લોકો એમ માને છે કે વધારે બાળકો હોય તો આવકનું સાધન બની શકે પરંતુ વસ્‍તી વધારાના કારણે અનેક સમસ્‍યાઓ ઉદભવી રહી છે. જેમ કે ગરીબી, બેકારી, વસવાટ પ્રદુષણ વર્તમાન સરકારે અનેક પ્રસંસનીય પગલાઓ ભરેલા છે. ત્‍યારે વસ્‍તી નિયંત્રણ અંગેના વિવિધ પગલાઓ ભરીને વસ્‍તી વિસ્‍ફોટ અટકાવો અત્‍યંત જરૂરી છે. આર્થિક વિકાસના ફળ લોકોને ત્‍યારે જ મળી શકશે કે જ્‍યારે વસ્‍તી વધારો અંકુશમાં આવશે. વસ્‍તી અંકુશમાં રાખવા માટે સરકાર જે પગલાઓ લે તેમા પ્રજાએ પણ સાથ સહકાર આપવો અત્‍યંત જરૂરી છે. આપણે આશા રાખીએ કે ભારતના દરેક રાજ્‍યો વસ્‍તી નિયંત્રણની નીતિ ઘડે અને તેનો યોગ્‍ય રીતે અમલ થાય વસ્‍તી નિયંત્રણની નીતિમાં રાજકારણ ન આવવુ જોઈએ.

સંકલનઃ પ્રો. સી.એમ.મહેતા

પૂર્વ ચેરમેન બોર્ડ ઓફ ઈકોનોમિકસ-

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી-જામજોધપુર

(10:11 am IST)