Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ભાવનગર પંથકમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા ચિંતાતુર ખેડૂતોની આકાશ તરફ મીટ

આશરે દોઢ લાખ હેક્‍ટરમાં વાવેતર બાદ વરસાદ વધારે ખેંચાય તો બિયારણ નિષ્‍ફળ જવાનો ભય

ભાવનગરઃ ભાવનગરમાં વાવણી લાયક વરસાદ થતા લગભગ પંથકમાં દોઢ લાખ હેક્‍ટરમાં વિવિધ પાકોનું વાવેતર બાદ વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવેલ બિયારણ નિષ્‍ફળ જવાની બીકે ચિંતાતુર થઇ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. જો સમયસર વરસાદ થાય તો પાકને જીવતદાન મળી રહે એવી આશાએ ખેડૂતો કુદરત પર ભરોસો રાખી બેઠા છે.

ભાવનગર જિલ્લાના ખેડૂતો વરસાદ ખેંચાતા હજજારો રૂપિયાનું મોંઘુ બિયારણ નિષ્ફળ જવાના ડરથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે સારો વરસાદ થતાં ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ વાવણી બાદ ખેતીને જોઈએ એવો વરસાદ નહિ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ ઈશ્વર પાસે સારા વરસાદની આજીજી કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઉનાળો પૂરો થતાં ખેડૂતોએ વાવણી કરવા માટે જમીન ખેડવાનો પ્રારંભ કરી દીધો હતો અને વાવણી માટે ખાતર છાંટી જમીન તપાવીને તૈયારી કરી લીધી હતી. ત્યાર બાદ સમયસર ચોમાસાનો પ્રથમ વરસાદ થતાં ખેડૂતોએ વાવણીનો પણ પ્રારંભ કરી દીધો હતો. ખેડૂતો દ્વારા જિલ્લામાં કપાસ, બાજરી, જુવાર, મગફળી અને ઘાસચારા સહિત આશરે દોઢ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ વાવણી કર્યા બાદ ઘણા લાંબા સમયથી વરસાદ ખેંચાઇ રહ્યો છે.

જે ખેડૂતોની વાડીઓમાં પિયતની સગવડ છે એવા ખેડૂતોને હાલ તો વાંધો આવે એમ નથી. પરંતુ જે ખેડૂતો પિયતની સગવડ નથી ધરાવતા એટલે કે જેમની પાસે કુવા કે ડાર નથી એવા ખેડૂતો ચોમાસાના વરસાદ પર નિર્ભર હોય છે. ભાવનગર જિલ્લામાં અનેક તાલુકાઓમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખેંચાઇ રહ્યો છે, વાવણી લાયક વરસાદ થયા બાદ વરસાદે વિરામ લઇ લીધો છે.

ભાવનગરના બુધેલ ગામના ખેડૂત ખીમજીભાઈ ગોરસિયા જણાવે છે કે, હાલ જે નક્ષત્ર ચાલી રહ્યું છે એ સારું વરસાદી નક્ષત્ર છે. પરંતુ એમાં પણ વરસાદ નથી થઈ રહ્યો. જો ચાર-પાંચ દિવસમાં વરસાદ નહિ વરસે તો ખેડૂતોનું બિયારણ નિષ્ફળ જઈ શકે છે, ત્યારે પેટે પાટા બાંધી મોંઘાં ભાવનું બિયારણ લાવી વાવેતર કર્યા બાદ વરસાદ નહિ થતા બિયારણ નિષ્ફળ જવાની બીકે ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે. તેમજ ઈશ્વર પાસે સમયસર સારો વરસાદ વરસવાની પ્રાર્થના કરી રહ્યા છે.

(5:06 pm IST)