Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મોરબીમાં પિતાની નજર સામે જ પુત્રનું મોત

લીલાપર રોડ ઉપર કારે એકટીવાને ઉલાળતા દિવ્‍યેશભાઇ પટેલનું મોત : પિતા કેશવજીભાઇને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૮ : મોરબીમાં લીલાપર કેનાલ રોડ પર  પુરપાટ વેગે આવતી કારે મોપેડ ચાલકને અડફેટે લેતા પિતાની નજર સમક્ષ પુત્રને કાળ આંબી ગયાની ઘટના સામે આવી છે. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ થવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મળતક યુવકના મિત્ર શૌલેષભાઇ ઉર્ફે લાલાભાઇ પ્રભુભાઇ વિઠલાપરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યા અનુસાર  રવાપર રોડ એપલ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.૩૦૧માં રહેતા દિવ્‍યેશભાઇ કેશવજીભાઇ પટેલ અને તેમના પિતા કેશવજીભાઈ રણછોડભાઈ પટેલ તા.૨૬/૦૬/૨૦૨૨  ના રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્‍યાના અરસામાં પોતાના હવાલાવાળુ એક્‍ટીવા મોપેડ રજી નં. GJ-03-DQ-5607 વાળુ જોઘપર ગામથી પોતાના ઘર તરફ જતા હતા ત્‍યારે એક્‍ટિવા  દિવ્‍યેશભાઇ ચલાવતા હતા. એ સમયે લીલાપર કેનાલ રોડ, લાડલી પાર્ટી પ્‍લોટ પાસે પહોચતા સામેથી એક ફોર વ્‍હીલ કાર રજી નં. જીજે-૩૬-ન્‍-૪૮૬૫ નો ચાલક પોતાના હવાલા વાળી કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ચલાવી એક્‍ટીવા મોપેડને સામેથી અથાડી એક્‍સીડન્‍ટ કરતા એક્‍ટીવા ચાલક દિવ્‍યેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સ્‍થળ ઉપર જ તેમનું મોત નીપજ્‍યું હતું. જયારે પાછળ બેસેલ કેશવજીભાઇને પેટના ભાગે તેમજ બન્ને પગે મુંઢ ઇજા પહોંચી હતી. અકસ્‍માત સર્જાયા બાદ કાર ચાલક પોતાના હવાલા વાળી કાર લઇ નાસી ગયો હતો.આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે ઇપીકો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એક્‍ટ કલમ- ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:44 pm IST)