Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ગોંડલના વાછરા ગામે બળદની ઢીંકે યુવાનનો ભોગ લીધો

પરિવારના આધારસ્‍તંભ સમાન યુવાનનું મોત નિપજતાં પરિવાર સહિત સમગ્ર ગામ શોકમગ્ન બન્‍યું

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૮ : ખેડૂતોને વાવણી ની સિઝન એટલે તહેવારોથી પણ મોટો ઉત્‍સવ ગણાતો હોય છે ત્‍યારે તાલુકાના વાછરા ગામે વાવણીની તૈયારી કરી રહેલ યુવાનને બળદે ઢીંક મારતા સર્જાયેલ અકસ્‍માતમાં ધાયલ યુવાન સારવાર માટે દવાખાને પહોંચે તે પહેલાં પરીવારના આધારસ્‍થંભ સમા યુવાનનુ મોત નિપજતા નાના એવા ગામમાં શોકનું મોજુ ફેલાઇ જવા પામ્‍યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ખેડૂતો પોતાના બળદોને દીકરાથી પણ વિશેષ ઉછેર કરતા હોય છે ત્‍યારે વાછરા ગામે રહેતા યુવાન અરવિંદભાઈ વાઘજીભાઈ વસાણી (ઉંમર વર્ષ ૪૨) મગફળી વાવણી ની તૈયારી કરી રહ્યા હોય બળદને ખેતરમાં જોતરવા માટે તૈયારી કરી રહ્યા હતા ત્‍યારે અચાનક એક બળદે ઢીંક મારતા નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્‍પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરાઇ હતી દરમિયાન રસ્‍તામાં જ તેમનું મોત નિપજતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું.

ઘટના અંગે વાછરા ગામના ગ્રામજનોએ જણાવ્‍યું હતું કે અરવિંદભાઈ બળદને ખેતર માં જોતરવા ની તૈયારી કરી રહ્યા હતા દરમ્‍યાન તેઓને ખાસી વાર લાગતા પરિવારજનોએ તપાસ હાથ ધરતા ખેતરમાં ઘાયલ હાલતમાં મળી આવ્‍યા હતા. અને ગોંડલ સરકારી દવાખાને પહોંચ્‍યા ત્‍યારે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ગ્રામજનોએ જણાવ્‍યું હતું કે અરવિંદભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે તેમજ બે ભાઈઓના પરિવારમાં તેઓ મોટા હતા અને આધારસ્‍તંભ સમાન હતા.

(10:39 am IST)