Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

જૂનાગઢમાં સોનાના દાગીના સાફ કરી દેવાના બહાને રૂ. ૧.૩૫ લાખના ઘરેણાનો ધુંબો

પરિવારને સેલ્સમેનના સ્વાંગમાં આવેલા બે ગઠિયા છેતરી ગયા

જૂનાગઢ, તા. ૨૮ :. જૂનાગઢના ટીંબાવાડીમાં આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટમા રહેતા વણિક અજયભાઈ જમનાદાસ ગોરસીયા (ઉ.વ. ૬૦) ગઈકાલે સવારે તેમના પત્નિ અને પુત્રવધુ સાથે પોતાના ઘરે હતા.

ત્યારે બે અજાણ્યા શખ્સો જેમાં એક ૩૫ થી ૪૦ વર્ષનો બીજો ૨૫ થી ૩૦ વર્ષનો ઈસમ સેલ્સમેનના સ્વાંગમાં આવેલ.

આ બન્ને શખ્સો ગોરસીયા પરિવારને વોશીંગ પાવડરનું સેલીંગ કરવા આવ્યા હોવાનું જણાવી અને વિશ્વાસમાં લઈ પિત્તળના શિવલીંગની સફાઈ કરીને ચકચકિત કરી દીધેલ.

આવી જ રીતે લક્ષ્મીની મૂર્તિ પણ બન્ને શખ્સોએ ચમકાવી દઈને પરિવારને સોનાના દાગીના સાફ કરાવી લેવાનું કહેતા સોનાનો ચેઈન અને સોનાની બે બંગડી મળી કુલ રૂ. ૧.૩૫ લાખની કિંમતના દાગીના સાફ કરવા આપેલ. પરંતુ બન્ને શખ્સો દાગીના કુકરમાં નાખી થોડીવાર પછી કુકર ખોલી ઘરેણા કાઢી લેવાનું કહીને બન્ને શખ્સો જતા રહ્યા હતા.

આ શખ્સો ગયા પછી ગોરસીયા પરિવારે કુકર ખોલતા તેમા દાગીના નજરે નહિ પડતા પરિવારજનોના હોશકોશ ઉડી ગયા હતા.

આમ બન્ને અજાણ્યા શખ્સો વૃદ્ધના પરિવારને મૂર્ખ બનાવી છેતરીને રૂ. ૧.૩૫ લાખના દાગીના લઈ જઈ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ અજયભાઈ ગોરસીયાએ નોંધાવતા સી-ડિવીઝનના પીએસઆઈ એસ.કે. વાજાએ આગળની તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)