Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સુરેન્દ્રનગર કલેકટરની કાર સાથે અકસ્માતનો પ્રયાસઃ ડમ્પર ચાલકની ધરપકડ

કે.રાજેશના કાફલાએ રોયલ્ટી માંગતા ગાડી લઇને નાસી છુટયોઃ સાયલાની હોટલ પાસેથી ઝડપી લઇને કાર્યવાહી

વઢવાણ, તા., ૨૮: સુરેન્દ્રનગર કલેકટર કે.રાજેશની કાર સાથે ડમ્પર ચાલકે અકસ્માત સર્જવાનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઇ હતી. અંતે પોલીસે આ ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહીતી મુજબ સુરેન્દ્રનગર કલેકટર કે.રાજેશ પોલીસ સ્ટાફ સાથે કામકાજ માટે સુદામડાથી સાયલા તરફ જઇ રહયા હતા  ત્યારે સામેથી બેફીકરાઇથી ડમ્પર ચલાવી રહેલા ડમ્પર ચાલકને હાથ ઉંચો કરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ  આ ડમ્પર ચાલકે ડમ્પર ભગાડી મુકયું હતું અને રોયલ્ટીનો પુરાવો આપ્યો ન હતો.

જેથી કલેકટર અને પોલીસ કાફલાએ  તેનો પેીછો કર્યો હતો અને સાયલા પાસે આવેલી એક હોટલ પાસે આ ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક ભરત મેરૂભાઇ બલીયા (રહે. સુદામડા)ની ડમ્પર નં. જી.જે. ૧૩ એ ડબલ્યુ ૧૧૧૭ સાથે ધરપકડ કરી છે.

આ બનાવ અંગે કલેકટર કે.રાજેશના ડ્રાઇવર જાકીરભાઇ મહેબુબભાઇ મકવાણાએ પોલીસ ફરીયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)