Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મોટા વચનોની ભરમારઃ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કોઇ 'જાદુઇ છડી' થી કરશો??

અગાઉ આપેલા વચનો તો ૨૦૧૯ પહેલા પૂર્ણ કરોઃ સરકાર સામે વિક્રમ માડમે છોડયા શાબ્દીક તીર

જામનગર, તા.૨૮: દેશના ખેડૂતો દ્વારા અપૂરતા ભાવને લીધે વિરોધી સૂર છેડી ઠેક-ઠેકાણે ઉગ્ર આંદોલનો થયા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૪ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાની વાતોને વિપક્ષી કોંગ્રેસ તો માત્રને માત્ર 'ભ્રામક' જ માની રહ્યો છે.

આ મામલે ખંભાળિયા-ભાણવડના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ટાંકીને શાબ્દીક તીર છોડતા જણાવ્યુ હતુ કે, ગત લોકસભાની ચૂંટણીમાં મોટા વચનોની ભરમારથી આકર્ષાઇને દેશની જનતાએ એટલા મત આપ્યા કે, વડાપ્રધાન તરીકે સર્વોચ્ચ સ્થાન ઉપર બિરાજમાન છો. પણ હવે દેશના લોકો ખોટા વચનોમાં આવીને પસ્તાય છે... એવામાં ફરી ખેડુતોને ખોટા વચનો આપવાનું ચાલુ કરી દીધું છે કે, ૨૦૨૨નાં વર્ષમાં ખેડુતોની આવક બમણી થઇ જશે. શું આપની પાસે કોઇ જાદુઇ છડી છે કે ખેડુતોની આવક બમણી કરી દેશો?

લોકસભાની ચૂંટણી વખતે અપાયેલ પોતે જ બોેલેલા વચનો વર્ષ ૨૦૧૯ પહેલાં પૂર્ણ કરો તેવી અપીલ કરતા વિક્રમ માડમે ઉમેર્યુ હતુ કે, પહેલું વચન ખેડુતોને કપાસનાં ભાવ રૂ.૧૬૦૦ અને મગફળીના ભાવ રૂ.૧૪૦૦ મળવા જોઇએ. તો પહેલા એ બે જ વચન દેશનાં ભોળા ખેડુતોને આપેલાં છે તે પાળી બતાવો તેવી દેશના ખેડુતોની લાગણી-માંગણી છે... ત્રીજું વચન કે હાલ ખેડુતો દેવામાં ડૂબી ગયેલા છે, તો ગુજરાતનાં તમામ ખેડુતોનું બેન્કોનું લેણું માફ કરી દેવું જોઇએ.

(3:37 pm IST)