Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

શાહીકાંડમાં કચ્‍છ યુનિવર્સિટીમાં સંઘર્ષના એંધાણ

સેનેટ ચુંટણીની મતદાર યાદીના ગોટાળા માટે યુનિવર્સિટી તંત્રને જવાબદાર : એબીવીપીના પ્રાંત મંત્રી નિખીલ મેઠીયા

ભુજ તા. ૨૮ : કચ્‍છ યુનિવર્સિટીમા સર્જાયેલ શાહીકાંડને પગલે જિલ્લાના શૈક્ષણિક માહોલ માં ગરમાટો આવી ગયો છે. એક બાજુ કચ્‍છ યુનિવર્સિટી કાયદેસર કાર્યવાહી કરવા મક્કમ છે બીજી બાજુ ABVP પણ લડતના મૂડ માં છે. પાંચ વિદ્યાર્થી કાર્યકર્તાઓની ધરપકડ બાદ અમદાવાદ થી ભુજ દોડી આવેલા ABVPના પ્રાંત મંત્રી નિખિલ મેઠીયા અને કચ્‍છ યુનિવર્સિટીના નવા સેનેટ મેમ્‍બર મનોજ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી. બંને વિદ્યાર્થી નેતાઓએ કચ્‍છ યુનિવર્સિટી ના કુલપતિ સી. બી. જાડેજા અને મતદાર યાદીના કોઓર્ડીનેટર પ્રો. ગીરીન બક્ષીને મતદાર યાદીના ગોટાળા માટે જવાબદાર ઠેરવ્‍યા હતા.

કચ્‍છ યુનિવર્સિટીના ૬ સેનેટ મેમ્‍બરોની ચૂંટણી અત્‍યારથી જ ચર્ચાનું કેન્‍દ્ર બની ગઈ છે,ત્‍યારે શાહીકાંડ ની ઘટનાની કચ્‍છના મીડીયાએ લીધેલી ગંભીર નોંધને પગલે એક તબક્કે ABVPના પ્રાંત મંત્રી નિખિલ મેઠીયાએ મીડીયા દ્વારા એક જ બાજુ રજૂ કરાઈ હોવાનું જણાવીને ABVP વતી પોતે તેમનો પક્ષ મૂકી રહ્યા હોવાનું કહ્યું હતું. જોકે,શાહી લગાડવાની ઘટનાને તેમણે વખોડી હતી પણ તેની સાથે એ સવાલે'ય કર્યો હતો કે વિદ્યાર્થીઓ આવું શા માટે કરવું પડ્‍યું? એ યુનિવર્સિટીએ અને સૌએ વિચારવું જોઈએ. મતદાર યાદીમાં ખોટું થયું છે અને વારંવારની રજુઆત પછીયે કુલપતિ કે પ્રો. બક્ષીએ વિદ્યાર્થીઓને સાંભળ્‍યા નથી. જરૂરત પડ્‍યે ABVP ધરણા કરશે અને આંદોલન ઉગ્ર બનાવશે. નિખિલ મીઠીયાએ ગર્ભિત ભાષામાં કહ્યું હતું કે જયાં જયાં અન્‍યાય થાય છે ત્‍યાં ત્‍યાં ABVPના વિધાર્થી કાર્યકર્તાઓ બાંયો ચડાવીને લડ્‍યા છે અને લડતા રહેશે. ABVP ના વિદ્યાર્થી કાર્યકર્તાઓની કરાયેલી ધરપકડ માં પોલીસ પોતાનું કામ કરી રહી હોવાનું જણાવતા નિખિલ મીઠીયાએ છાત્રોના એડમીશન રદ કરવાની પ્રક્રિયા સંદર્ભે ABVP દ્વારા કુલપતિને રજુઆત કરાશે એવું જણાવ્‍યું હતું. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ABVP એ મતદારયાદી માં થયેલી ધાંધલી અંગે તપાસ કરવાની માંગ કરી છે. ડખ્‍ખાના કારણે નવું એડમીશન લેનારા વિધાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાને થઈ રહેલી અસર માટે કુલપતિને જવાબદાર ગણાવ્‍યા હતા. જોકે,વારંવાર તેમણે કુલપતિ અને ઈલેક્‍શન કોઓર્ડીનેટર પ્રો. બક્ષી ઉપર કોંગ્રેસના ઈશારે કામ કરવાનો આક્ષેપ મૂકી અને આ સમગ્ર મામલે ABVP સરકારમાં રજુઆત કરશે એવી વાત કરી હતી. ૭૦૦ માંથી ૫૫૦ જેટલા ફોર્મ રદ કરવાના પ્રશ્ને તેમણે કોંગ્રેસના ઈશારે કુલપતિ તેમ જ કોઓર્ડીનેટર દ્વારા આ કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. દોષીતોને છાવરવા માટે જાતિવાદના રાજકારણનો ઉપયોગ કરવાની વાતને દુઃખદ ગણાવીને ABVP વતી નિખિલ મેઠિયાએ શિક્ષણક્ષેત્ર માં પ્રવેશેલા ભ્રષ્ટાચાર અને અનીતિની લડાઈમાં સાથ આપવા સમાજ અને સરકારને જાહેર અપીલ કરી છે. અત્‍યાર સુધી ABVPના નેતા રહેલા અને હવે સેનેટમાં ભાજપ સરકાર દ્વારા નિયુક્‍ત થયેલા મનોજ ગઢવીએ મતદાર યાદીના મુદ્દે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૮ ની EC બેઠકમાં ફાઇનલ થયેલી મતદાર યાદી એકાએક કેવી રીતે બદલી? એવા સવાલ સાથે વર્તમાન EC મેમ્‍બરોને અંધારામાં રાખીને તેમની સહી થી આ EC મેમ્‍બરોની જાણ બહાર મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. પત્રકાર પરિષદમાં મનોજ ગઢવીએ કોંગ્રેસના ૨ આગેવાનો રમેશ ગરવા અને યશપાલસિંહ દેવેન્‍દ્રસિંહ જેઠવાના ઈશારે કુલપતિ સી. બી. જાડેજાએ મતદાર યાદીના નામો રદ કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. કચ્‍છ યુનિવર્સિટીમાં કોન્‍ટ્રાક્‍ટના કામોમાં ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો પણ બંને વિદ્યાર્થી આગેવાનોએ ઉઠાવ્‍યો હતો. ABVP દ્વારા સતત મતદારયાદી અંગે રજૂઆતો કરાયા છતાંયે યુનિવર્સિટી દ્વારા ધ્‍યાને ન લેવાઈ હોવાનો આક્ષેપ મનોજ ગઢવી એ કર્યો હતો. ABVP દ્વારા શાહીકાંડની માફી માંગવાની વાતનો ઇનકાર કરતા વિદ્યાર્થી નેતાઓએ આ સમગ્ર ઘટનાની તપાસ માટે કમીટી બનાવવાનો આગ્રહ રાખ્‍યો હતો. જોકે, છાત્ર સંગઠનનો રોષ જોતા લાગે છે કે આગામી સમયમાં વિદ્યાર્થીઓ અને કચ્‍છ યુનિવર્સિટી વચ્‍ચે સંઘર્ષના એંધાણ મળી રહ્યા છે.

કોંગ્રેસી નેતા કહે છે ભાજપના અનેક આગેવાનોના ફોર્મ થયા છે રદ

ABVPની પત્રકાર પરિષદમાં કચ્‍છ યુનિવર્સિટીના સેનેટ મેમ્‍બર મનોજ ગઢવીએ કરેલા આક્ષેપોનો કોંગ્રેસી અગ્રણી રમેશ ગરવાએ રદિયો આપતા કહયું હતું કે મારા અથવા યશપાલસિંહ દ્વારા એક પણ ફોર્મ રદ કરાવાયા નથી. આ આક્ષેપો ખોટા છે તેનું કારણ છે મારુ પોતાનું ફોર્મ રદ થતા મારુ નામ પણ મતદાર યાદી માંથી નીકળી ગયું છે. જોકે, ગત ટર્મમાં સેનેટ મેમ્‍બર રહી ચૂકેલા રમેશ ગરવાએ ભાજપના ઇન્‍દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા, ભૌમિક વચ્‍છરાજાની, વિમળાબેન નરેશ મહેશ્વરી સહિત અનેક આગેવાનોના ફોર્મ રદ થયા હોવાનું જણાવ્‍યું હતું.

યુનિવર્સિટી ABVP ઉપર કરશે બીજી ફરિયાદ

કચ્‍છ યુનિવર્સિટી ના ૬ સેનેટ મેમ્‍બરની ચૂંટણી ૨૨ જુલાઈના થશે. તેની મતદાર યાદી બાબતે ABVP એ કરેલા આક્ષેપ સંદર્ભે કુલપતિ સી. બી. જાડેજા એ કહ્યું હતું કે મતદાર યાદી કરતા રદ કરાયેલા મતદારોના નામોની સંખ્‍યા વધુ છે, જે કદાચ ૬૦% હોઈ શકે છે. પણ, નિયમ પ્રમાણે જ અમે કામ કર્યું છે, જે ફોર્મ માં અધૂરાશો હતી તે જ રદ કર્યા છે. છતાંય ચકાસણીની છેલ્લી તારીખ ૨૬ હતી અને ABVP ની ફરિયાદ બાદ EC બેઠકમાં નક્કી કરાયેલા ૧૦ સભ્‍યો દ્વારા ફરીવાર આ ચકાસણી થઈ રહી છે. જો ક્‍યાંય ભૂલ હશે તો સુધારીશું અને મતદાર યાદી સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી કરીશું. મતદાર યાદીના ફોર્મ NSUI છાત્ર સંગઠનને નહીં પણ વાંધો લેનાર વિદ્યાર્થીઓને બતાવ્‍યા હતા. પોતે કોંગ્રેસના ઈશારે કામ કરતા હોવાના ABVP ના આક્ષેપનો રદિયો આપતા કુલપતિએ ખુલાસો કર્યો હતો કે રદ થયેલા મતદાર ફોર્મમાં બન્ને સંગઠનના છાત્રો છે. જોકે, ABVPના છાત્રો દ્વારા થયેલા કૃત્‍યને પગલે પ્રો. બક્ષીની સારવારના ખર્ચ અને યુનિવર્સિટીમાં બનેલી ઘટનાનો વિસ્‍તૃત રિપોર્ટ પોલીસને મોકલીને કચ્‍છ યુનિવર્સિટી દેખાવો અને વિરોધ કરનારા ABVP ના છાત્રો ઉપર બીજો પોલીસ કેસ કરશે એવો ખુલાસો કુલપતિ શ્રી જાડેજાએ કર્યો હતો. ગત ફેબ્રુઆરી ૧૮ માં છેલ્લી EC બેઠકમાં મતદાર યાદી તૈયાર થઈ હોવાની વાતને સમર્થન આપતા કુલપતિએ કહ્યું હતું કે ચૂંટણી જુલાઈમાં થઈ એટલે અમે આખરી મતદારયાદીના નામોમાં ફેરફાર કર્યા છે જે નિયમ પ્રમાણે છે.તો, વિધાર્થીઓ પાસે થી ૫૦ રૂપિયા મતદાર યાદી રજિસ્‍ટ્રેશન ફોર્મના લઇ લીધા બાદ તેમના નામો રદ કરવાના મુદ્દે કુલપતિએ કહ્યું હતું કે ચકાસણી દરમ્‍યાન અધૂરાશો હોય તો નામો રદ થઈ શકે છે. એક શિક્ષક તરીકે નિખાલસતાથી કુલપતિ શ્રી જાડેજાએ ગળગળા સાદે આ ઘટનાને કમનસીબ ગણાવી કહ્યું હતું કે અમારે એ સંશોધન કરવું પડશે કે છાત્ર સંગઠન શા માટે ઉગ્ર વર્તન કરી રહ્યા છે. પ્રો બક્ષીનું મોઢું કાળું કર્યા પછી ABVPના છાત્રોએ તેમની સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનો ખુલાસો પણ તેમણે કર્યો હતો. જે છાત્રો સામે પોલિસ કેસ થયા છે તેમના એડમીશન રદ કરવાના નિર્ણય કરાયો હોવાનું કહેતા શ્રી જાડેજાએ કહ્યું હતું કે તેમનું શૈક્ષણિક ભવિષ્‍ય બગડશે એનું અમને દુઃખ છે પણ ગેરશિસ્‍ત ન ચલાવી લેવાય.

(11:28 am IST)