Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

પોરબંદરની સરકારી હોસ્‍પીટલના ડો.જય બદીયાણીએ સમયસર સારવાર આપીને ર બાળકોના જીવ બચાવ્‍યા

ડોકટરે જણાવેલ કે બાળક ૬ માસનુ થાય ત્‍યાં સુધી તેને માત્ર માતાનું ધાવણ આપવાનું હોય છે તેને બદલે પાંચ માસના બાળકોને પાણી પીવડાવાનું શરૂ કરતા બન્ને બાળકોની હાલત બગડી ગઇ

પોરબંદર, તા., ૨૮: સરકારી ભાવસિંહજી હોસ્‍પીટલના ડો. જય બદીયાણીએ બેભાન થઇ ગયેલા પાંચ માસના  બે બાળકોને સમયસર સારવાર આપીને બન્નેના જીવ બચાવ્‍યા હતા.

સરકારી ભાવસિંહજી હોસ્‍પીટલ ખાતે ૬ માસના ર બાળકોને બેહોશ હાલતમાં સારવારમાં લાવવામાં આવ્‍યા હતા જે બન્ને બાળકોને તેની માતા ૧ માસથી પાણી પીવડાવતી હતી. જેથી બાળકોને ઇન્‍ફેકશન લાગતા તેને ખેંચ આવી હતી અને બેહોશ થયા હતા. સરકારી હોસ્‍પીટલના બાળરોગ નિષ્‍ણાંત ડો.જય બદીયાણીએ જણાવ્‍યું હતું કે બગવદર વાડી વિસ્‍તારમાં રહેતા પરપ્રાંતીય ખેતમજુર દિનેશ બારૂલાનો ૬ માસના પુત્ર નિલેશને ખેંચ ઉપડતા બેહોશ થયો હતો. જેથી તેને ભાવસિંહજી હોસ્‍પીટલ ખાતે લાવવામાં આવ્‍યો હતો. તેમજ ખાપટમાં શ્રમીક ભાવેશ મેઘનાથીના ૬ માસ પુત્રને પણ ખેંચ આવી હતી. જેથી તેને ખાનગી હોસ્‍પીટલ ખાતે લઇ જવામાં આવ્‍યો હતો અને ત્‍યાંથી જામનગર લઇ જતા હતા ત્‍યારે ખેંચ આવતા બેહોશ થઇ જતા તેને ભાવસિંહજી હોસ્‍પીટલ ખાતે લાવવામાં આવેલ.

ડોકટર જય બદીયાણીએ સમયસર સારવાર આપી બન્ને બાળકોના જીવ બચાવીને જણાવ્‍યું હતુ કે બાળ છ માસનું ન ત્‍યાં સુધી તેને માત્ર માતાનું ધાવણ જ આપવાનું હોય છે. પરંતુ બન્ને કેસમાં માતાએ બાળક પ માસનું થયું ત્‍યારે તેને મોઢેથી પાણી પીવડાવવાનું શરૂ કર્યુ હતું અને બન્ને બાળકોને ઇન્‍ફેકશન થયું હતું. જેમાં એક બાળકને તો મગજમાં ઇન્‍ફેકશન થયું હતું. આવા બનાવમાં બાળકનું મોત પણ થઇ શકે છે. જેથી બાળક ૬ માસનું થાય પછી જ તેને પાણી અથવા ખોરાક આપવો જોઇએ.

(12:58 pm IST)