Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મોરબીથી ઝારખંડ જતાં પરપ્રાંતિય શ્રમિકે વતન પહોંચીને જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગનો આભાર માન્યો

મોરબી,તા.૨૮: પરપ્રાંતિય શ્રમિકોને કોઇપણ જાતની તકલીફ ઉભી ન થાય, બાળકો, વૃદ્ઘો, મહિલાઓ કે કોઇપણ શ્રમિકો હોય તેમની સેવામાં કોઇપણ પ્રકારની કચાશ રખાઇ નથી. શ્રમિકોને માદરે વતન જવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શકય હોય ત્યાં સુધી જેમને પણ પોતાના વતન જવાની ઇચ્છા વ્યકત કરી તેવા દેશના કોઇપણ રાજયમાં જવા માંગતા તમામ પરપ્રાંતિય શ્રમિકોને જવાની વ્યવસ્થા કરાઇ. આ પ્રકારની વ્યવસ્થામાં મોરબી જિલ્લાએ અગ્રીમ સ્થાન લીધુ છે તેવું ફકત અહીંના અધિકારીઓ જ નહીં પરંતુ અહીં મોરબીને પોતાની કર્મભૂમિ બનાવીને અહીં વસતા શ્રમિકો પણ દિલથી મોરબીના વહિવટી તંત્ર અને પોલીસ તંત્રનો આભાર વ્યકત કરી રહ્યા છે.

હાલમાં જ મોરબી થી અન્ય રાજયોમાં શ્રમિકોને ટ્રેન મારફતે પોતાના વતન તરફ મોકલવામાં આવી રહ્યા છે. સમગ્ર કામગીરી દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઇ રહે, શ્રમિકોને ટ્રેનમાં પોતાની સીટ મળી રહે તે માટે પોલીસ સ્ટાફ પણ સતત ખડે પગે ફરજ બજાવી રહ્યું છે. આ સમગ્ર કામગીરીમાં ખુદ જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલા, ડીવાયએસપી રાધીકાબેન ભારાઇ, પીઆઇ આર.જે. ચૌધરી, એલસીબી પીઆઇ જે.એમ. આલ સહિતનો પોલીસ સ્ટાફ શ્રમિકોની મદદ માટે સતત હાજર રહીને કામગીરી સંભાળી રહ્યા છે. તો મુસાફરી દરમિયાન પ્રવાસીઓને ખાવા પીવાની કોઇ મુશ્કેલી ન પડે તે માટે મોરબી સિરામીક એસોસિએશન તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય દ્વારા ફૂડ પેકેટ તેમજ પાણી વિતરણની કામગીરી સંભાળવામાં આવી રહી છે.

મૂળ ઝારખંડના અને હાલે મોરબીમાં રહેતા ગુલામ અંસારી નામના પરપ્રાંતિય શ્રમિક પોતાના વતન પરત ફર્યા બાદ ટ્વીટરના માધ્યમથી સમગ્ર મોરબી જિલ્લા વહિવટી તંત્ર તેમજ પોલીસ તંત્રનો આભાર વ્યકત કર્યો હતો. ટ્વીટરના માધ્યમથી ગુલામ અંસારીએ જિલ્લા પોલીસવડા, મોરબી કલેકટરને ટેગ કરીને આભારની લાગણી વ્યકત કરી હતી.

સંવાદન

ઘનશ્યામ પેડવા

સહાયક માહિતી નિયામક મોરબી

(12:02 pm IST)