Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમરેલી જીલ્લાના થોરડી ગામમાં પતિ સાથે મળીને સત્તાનો દુરઉપયોગ કરનાર મહિલા સરપંચ સસ્પેન્ડ

રસ્તા ઉપર બ્લોક ફીટીંગ, ગટરકામ સહીતના કામમાં ખોટા બીલ બનાવ્યા'તાઃ ડીડીઓ તેજસ પરમાર દ્વારા કાર્યવાહી

અમરેલી, તા., ૨૭: અમરેલી જીલ્લાના સાવરકંુંડલા તાલુકાના થોરડી ગામના મહીલા સરપંચે પતિ સાથે મળીને ગેરરીતી આચરતા  ડીડીઓશ્રી તેજસ પરમાર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહીતી મુજબ થોરડી ગ્રામ પંચાયતના સભ્ય અને જાગૃત નાગરીક શૈલેષભાઇ નનુભાઇ બરવાળીયાએ જીલ્લા વિકાસ અધિકારી શ્રીને ફરીયાદ કરીને જણાવ્યું હતું  કે થોરડી ગામમાં સરપંચ હંસાબેન પ્રફુલભાઇ વેકરીયાએ દાતા વિપુલભાઇ બાબુભાઇ બરવાળીયાએ પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા ગામની ગૌશાળા માટે કરી આપેલા બોરના ખોટા બીલો બનાવીને સરકારના સવા લાખ રૂપીયા જેવી રકમ ઘરભેગી કરી દીધી હતી.

આ ઉપરાંત ગામમાં સરકારે મંજુર કરેલા રસ્તાના કામો, ગટર લાઇનના કામો, રસ્તા ઉપર બ્લોક ફીટીંગ જેવા કામોમાં હલ્કી ગુણવતા અને આ કામોના ખોટા બીલો બનાવીને સરપંચ અને તેના પતિએ રૂ. ૩૦ થી ૩ર લાખનું કૌભાંડ કર્યુ છે. જે અંગે ગ્રામ પંચાયતના સભ્ય શૈલેષભાઇ નનુભાઇ બરવાળીયાએ આરટીઆઇ કરીને માહીતી માંગતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

આ અંગે જીલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે થોરડી ગામના સરપંચ હંસાબેન પ્રફુલભાઇ વેકરીયાને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ પપ (ક)માં જણાવેલ ફરજો અને કાર્યો બજાવવામાં અસમર્થતા દાખવવા બદલ તેમજ સરપંચના હોદાનો દુરઉપયોગ કરી નાણાકીય ગેરરીતી કરવા સબબ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ પ૭ (૧)ની જોગવાઇ હેઠળ ગ્રામ પંચાયત થોરડીના સરપંચ હંસાબેન વેકરીયાને સસ્પેન્ડ કરેલ છે.

 આ અંગે જીલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસભાઇ પરમારે જણાવ્યું હતું કે મહીલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમને વિકાસ કમિશ્નર સમક્ષ અપીલમાં જવા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

(10:38 am IST)