Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગુજરાત કોંગ્રેસ દ્વારા ગરીબોના દેવા- વીજળી- મકાન- વેરો- શિક્ષણ ફી માફ કરો

લોકડાઉનના પગલે લોકોના ધંધા-રોજગાર બંધ રહ્યા હોયઃ સૌરાષ્ટ્રના જિલ્લા તાલુકા મથકે રાજયપાલને સંબોધી કલેકટરો-મામલતદારને આવેદન પત્ર પાઠવ્યા

પ્રથમ તસ્વીરમાં ઉપલેટામાં આવેદનપત્ર પાઠવતા કોંગ્રેસના આગેવાનો, બીજી તસ્વીરમાં કાલાવડ મામલતદારશ્રીને તથા ત્રીજી તસ્વીરમાં અમરેલીમાં કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું તે નજરે પડે છે. (તસ્વીરઃ કૃષ્ણકાંત ચોટાઇ (ઉપલેટા), કમલેશ આશરા (કાલાવડ) અરવિંદ નિર્મળ (અમરેલી)

રાજકોટ, તા., ૨૮: કોરોના મહામારીના કારણે લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ર મહીના સુધી બંધ રહેતા લોકોની સ્થિતિ કફોડી ગઇ ગઇ છે.

ત્યારે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં મધ્યમ વર્ગ અને ગરીબોના દેવા, વિજળી, મકાન વેરા, શિક્ષણ ફી માફ કરવા માંગણી કરી છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લા અને તાલુકા મથકોએ રાજયપાલશ્રીને સંબોધીને કલેકટરશ્રી અને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.

આવેદનપત્રોમાં રજુઆતો કરી છે કે માર્ચ ર૦ર૦ થી જુન ર૦ર૦ સુધીના તમામ લોકોના વિજળી બીલ માફ કરવામાં આવે. ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરીવારોના રહેઠાણ, પાણી વેરા અને મિલ્કત વેરા માફ કરવામાં આવે તેમજ નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે. ખાનગી શાળાની આગામી શૈક્ષણીક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમની સહાય પુરી પાડે.

લાંબા લોકડાઉનના વર્તમાન કપરા સંજોગોમાં કૃષિ ધીરાણની મુદલ અને વ્યાજ ભરવા માટે ખેડુતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યુઅલ અમલમાં મુકે અને વ્યાજ માફ કરે તેવી માંગણી કરાઇ છે. ઙ્ગ

કાલાવડ

(કમલેશ આશરા દ્વારા) કાલાવડઃ કાલાવડ તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતી દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ છે છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. ભારતમાં અને વિશેષતઃ ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે. મહામારીને પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસથી લોકડાઉનનું જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર ધંધા-ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. ગરીબ અને મધ્યમવર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરૂ બન્યું છે.

પ્રજાજનો પાસે જે કંઈ પણ આછીપાતળી બચત થતી તે પણ સંપૂર્ણપણે ખર્ચાઈ ગઈ છે. આ સંજોગોમાં ગરીબ, મધ્યમવર્ગના સામાન્ય પ્રજાજનોની હાલત અત્યંત કફોડી બની છે. આવા સંજોગોમાં પ્રજાજનોને શકય તમામ રીતે અને મહત્તમ સહાય કરવી તે આપણા સૌની ફરજ છે. વિશેષતઃ સરકાર અને વહીવટી તંત્રની તો આ બંધારણીય ફરજ પણ છે. હંમેશા પ્રજાજનોને પડખે રહેવાની અને પ્રજાજનોની સહાયરૂપ થવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની અને યોગ્ય રજૂઆત કરવાની કોંગ્રેસ પક્ષની નીતિ રહી છે. આ સંદર્ભમાં ગુજરાત રાજ્યમાં લાંબા લોકડાઉનને લીધે આજીવિકાથી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાય કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરાઈ છે.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ખાતે ખેડૂત અગ્રણીઓ ઉપર પોલીસ દમન તેમજ લોકડાઉન વચ્ચે સામાન્ય પ્રજાની અમુક જરૂરિયાતો પૂરી પાડવાના મુદ્દે મામલતદારને રજુઆત સાથે માંગ કરાઇ હતી. લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માર્ચ-૨૦૨૦ થી જૂન-૨૦૨૦ સુધીનાં વીજબીલની માફી, ગરીબ અને મધ્યમ વર્ગનાં રહેણાંક વેરા, પાણી વેરા તેમજ મિલકત વેરા અને નાના વેપારીઓના ધંધા સ્થળનાં વેરા માફ કરવા, ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રથમ સત્રની ફી માફ કરવા અથવા તો સરકાર દ્વારા તે ચૂકવવા અને ખેડૂતોને ધિરાણ પરત કરવાની મુદત વધારી ઓટો રીન્યુઅલ અમલમાં મૂકી વ્યાજ માફ કરવાની માંગણીનું એક આવેદનપત્ર તેમજ રાજકોટના પોલીસ દમન મુદ્દે રજૂઆત કરાઇ હતી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ અજયસિંહ રાણા, યુવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ, મહેન્દ્ર વાઘેલા તેમજ નવઘણ નૈત્રા હાજર હતાં.

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રણજીતભાઈ પરાલીયા, શહેર પ્રમુખ અનિલભાઈ સીંગલ, વિરોધ પક્ષના નેતા છેલાભાઈ ભરવાડ, રઘુ ભરવાડ, મયુર ભરવાડ સહિતના કાર્યકરો જનતાને વીજ બીલ, શિક્ષણ ફી, વેરા માફી આપવા મામલતદાર મહાવીરસિંહ રાણાને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માર્ચથી જૂન માસના વીજ, પાણી મિલ્કત, રહેણાંક બીલ, ખાનગી શાળામાં પ્રથમ સત્રની શૈક્ષણિક ફી માફ કરવા માંગણી કરી છે.

ઉપલેટા

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા : છેલ્લા ત્રણ મહિના થયા કોરોના વાયરસની બીમારીને કારણે સમગ્ર રાજયમાં લોકોના ધંધા-રોજગાર બંધ છે. લોકો આર્થિક હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે માર્ચ મહિનાથી ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા વીજ બીલ માફ કરવામાં આવે નગરપાલિકા દ્વારા પાણીવેરો અને હાઉસ ટેકસ માફ કરવામાં આવે મામલતદારના તંત્ર દ્વારા મિલકતના ભાડા માફ કરવામાં આવે અને રાજયની તમામ શાળા-કોલેજોમાં એક સત્ર છ મહિનાની ફી માફ કરવામાં આવે એ માગણી સાથેનું આવેદન પત્ર બોર, ખેતરો અને ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇની આગેવાનીમાં ઉપપ્રમુખ લખમણભાઇ ભોપાળા મંત્રી કમલેશભાઇ વ્યાસ જગદીશભાઇ પંડિત અને ગુલામબાપુ સહિતના આગેવાનોની હાજરી આવેદનપત્ર પાઠવ્યુ છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી :..  અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલમાં કોરોના વાયરસનાં સંક્રમણના લીધે લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી થઇ હોય અને લાખો લોકોને પોતાની રોજગારી ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે સરકાર શ્રી દ્વારા નીચે જણાવેલ વિગતના બીલ અને વેરા માફ કરવા માટે પ્રદેશ કોંગ્રેસની સુચના મુજબ કલેકટરશ્રી અમરેલીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસ., જી. પં. બાંધકામ સમિતિ ચેરમેન શંભુભાઇ ધાનાણી, પૂર્વ ચેરમેન ટીકુભાઇ વરૂની આગેવાનીમાં કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવી મહામારીનાં કારણે ત્રસ્ત લોકોને રાહત આપી લોકોને સહાય પુરી પાડી માનવીય અભિગમ અપનાવવાની માગણી કરવામાં આવેલ હતી.

પાલિકા નેતા વિપક્ષ સંદીપભાઇ ધાનાણી, મહિલા કોંગ્રેસના હંસાબેન જોશી, મહામંત્રી જનકભાઇ પંડયા, જમાલભાઇ મોગલ, સિધ્ધાર્થ ઠાકર, વસંત કાબરીયા, ફૈઝલ ચૌહાણ, બી. કે. સોળિયા તથા દલસુખભાઇ દૂધાત ઉપસ્થિત રહ્યા હતાં.

(10:37 am IST)