Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

બાળકોની સુરક્ષા માટે ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓને સંવેદના અભિયાન અંતર્ગત જાગૃત કરાયા

ગઢડા અને સાળંગપુર મંદિરની આસ્થા ધ્યાને લઇ બોટાદ જીલ્લાને સેઇફ એન્ડ સિકયોર પ્રોજેકટથી આવરી લેવાયું છેઃ ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવ સાથે અકિલાની વાતચીત : ઇ-ગુજકોપ પ્રોજેકટમાં બોટાદ નંબર વનઃ મહિલા સુરક્ષા માટે ૩૫ જેટલા મળેલ કોલમાં તમામમાં અસરકારક કામગીરી હાથ ધરાઇ હતી

અશોકકુમાર યાદવ ભાવનગર રેન્જ વડા

રાજકોટ, તા., ૨૮: સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ અને દ્વારકા મંદિરની માફક ભાવીકોની આસ્થાના પ્રતિક સમા ગઢડા અને દેશભરમાં જાણીતા સાળંગપુર મંદિર  જે જીલ્લામાં આવેલ છે તેવા બોટાદ જીલ્લામાં  ઉકત મંદિરોની સુરક્ષા તથા મહત્વના બનાવોનું સર્વેલન્સ થઇ શકે તે માટે બોટાદ શહેરમાં કુલ ૮૦ કેમેરાઓ દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ  ગોઠવવા માટે એસપી હર્ષદ મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં માગદર્શન આપી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા માટેની રણનીતિ તૈયાર કરાયાનું બોટાદ, ભાવનગર અને અમરેલી જીલ્લો જેની હકુમતમાં આવે છે તેવા ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ભાવનગર અને અમરેલી જીલ્લાની ઔદ્યોગીક અને બંદરોને કારણે મહત્વના બનેલા આ જીલ્લાઓમાં પીપાવાવ તથા અલંગ જેવા ઉદ્યોગોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા જાત નિરિક્ષણ હેઠળ ગોઠવનાર અશોકકુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકસભાની ચુંટણી બંદોબસ્ત અને ગઢડા મંદિરની ચુંટણી શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ કરવામાં આવેલ.

લોકસભાની ચુંટણી દરમિયાન અટકાયતી પગલાઓ લઇ સંખ્યાબંધ ડાભોરીયાઓને જેલ ભેગા કરનાર આ અધિકારીએ ચુંટણી સમયે વોટસએપ પર હથીયારો સાથે ફોટા મુકનાર લોકોને જેલના સળીયા ગણતા કરી દીધા હતા.

ગુજકોપ પ્રોજેકટ છેલ્લા પાંચ માસથી મોખરે રહેલા બોટાદ જીલ્લામાં સીસીટીવી કેમેરા પ્રત્યે જાગૃતી લાવવા ઠેર-ઠેર બેનર લગાડી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બાળકોની સલામતી માટે 'સંવેદના એક અભિયાન' કાર્યક્રમ અંતર્ગત ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવેલ. અત્રે યાદ રહે કે ગુજરાતમાંથી ગૂમ થયેલા બાળકો અંગે ચિંતિત બની સરકારે સીઆઇડી ક્રાઇમને પણ આવી કામગીરી સુપ્રત કરી છે ત્યારે અશોક યાદવનું આ પગલું અસરકારક બની રહયું છે.

(11:49 am IST)