Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ભત્રીજીની ફોન પર પજવણી કરતાં સોયેબને ટપારતાં કડીયા પ્રોૈઢને છરીના ઘા ઝીંકાયા

વિસાવદરના જીવાપરાનો બનાવઃ અશ્વિનભાઇ કાચાને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૮: વિસાવદરના જીવાપરા ગામે રહેતાં કડીયા પ્રોૈઢે પોતાની ભત્રીજીની ફોન પર પજવણી કરતાં મુસ્લિમ શખ્સને સમજાવતાં તેણે ખાર રાખી છરીથી હુમલો કરી પેટ-પડખામાં બે ઘા ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

જીવાપરામાં રહેતાં અને કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં અશ્વિનભાઇ વિરજીભાઇ કાચા (ઉ.૫૦) નામના કડીયા પ્રોૈઢ રવિવારે સાંજે ચારેક વાગ્યે સાઇકલ હંકારી ગામમાંથી નીકળ્યા ત્યારે ગામનો જ સોયેબ બાઇક પર સામે આવતાં તેણે સાઇકલ સાથે બાઇક અથડાવી પછાડી દઇ છરીથી હુમલો કરતાં લોકો ભેગા થઇ ગયા હતાં. અશ્વિનભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

અશ્વિનભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેના પુત્ર મહેન્દ્રના કહેવા મુજબ મારા મોટા બાપુની દિકરી જે સતર વર્ષની છે તેને સોયેબ ફોન કરી પજવણી કરતો હોઇ તે બાબતે મારા પિતા અશ્વિનભાઇએ સોયેબને ઠપકો આપ્યો હતો. આ કારણે ખાર રાખી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે વિસાવદર પોલીસને જાણ કરી હતી. (૧૪.૭)

(10:42 am IST)