Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગોંડલના બે દિવસથી ગુમ યુવકની કુવામાંથી લાશ મળી : શરીર પર તીક્ષણ હથિયારના ઘાના નિશાન : હત્યાની શંકા

રામ દ્વાર સામે ખોડીયાર માતાજીના મંદીર પાછળ કૂવામાંથી યુવકની લાશ મળી : મૃતક સૈનિક સોસાયટીમાં રહેતો અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હોવાનું ખુલ્યું: ગોંડલ મામલતદાર, ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ - જવાનો, લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ - જવાનો, એફ.એસ.એલ સહિતની ટીમો ઘટનાસ્થળે: એફએસએલની મદદ લેવાઈ

રાજકોટઃ બે દિવસથી ગુમ થયેલા જુવાનજોધ યુવકની લાશ કૂવામાંથી મળતા સનસની ફેલાઈ હતી. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ રામદ્વાર સામે ખોડીયાર માતાજીના મંદીર પાછળ કૂવામાંથી યુવકની લાશ મળી આવી છે. યુવકની ઓળખ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા યુવક ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતો અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હોવાનું ખુલ્યું છે. પોલીસને પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરાઈ હોવાનું માલુમ પડ્યું હતું

બનાવની જાણ થતાં ગોંડલ મામલતદાર, ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ – જવાનો, લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ – જવાનો, એફ.એસ.એલ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે જેથી કરીને સાંયોગિક પુરાવા તેમજ ગુના અંગે સરળતાથી ભેદ ઉકેલી શકાય.યુવકની લાશને બહાર કાઢતા યુવકના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ ગોંડલ સિટી પોલીસ દ્વારા ઘટના સ્થળની નજીકમાં જે કોઈપણ જગ્યાએ સીસીટીવી પ્રાપ્ય છે તે તમામ જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે મૃતક યુવાનના પરિવારજનો સાથે પણ ગોંડલ સિટી પોલીસ દ્વારા હાલ વાતચીત કરવામાં આવી રહી છે.

પરિવારજનોનું યુવાન મામલે શું કહેવું છે? મૃત્યુ પહેલા ના દિવસો માં તેનું વર્તન સામાન્ય હતું કે કેમ? કોઈનાથી તે ભયભીત હતું કે કેમ તે સહિતની તમામ બાબતો અંગે પરિવારજનોને પૂછપરછ કરવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ ગોંડલના સૈનિક સોસાયટીમાં રહેતા અજય સિંહ જાડેજા 10 મિનિટમાં આવું છું કહી ઘરેથી નીકળ્યો હતો. પરંતુ બે દિવસથી પુત્ર ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારે અચાનક આજરોજ યુવાન મૃત હાલતમાં કૂવામાંથી મળી આવ્યો હતો.

મૃત યુવાન ના ગળા થી લઇ આખા શરીરમાં 30થી વધુ છરીના ઘા મારી હત્યા નિપજાવી લાશ સાથે પથ્થર બાંધી કૂવામાં નાખી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

 

(10:25 pm IST)