Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કાળમુખા કોરોનાએ ૩ મહિનામાં જેતલસરના ૨ જીગરી દોસ્તોના જીવ લીધો

જેતલસરના ૨ મિત્રો જીતુભાઇ જોશી અને મહેન્દ્રભાઈ ચરાડવા પરિવારને વિલાપ કરતા છોડી ગયા

(કુલદિપ જોષી દ્વારા) જેતલસર, તા.૨૮: કાલમુખો કોરોના રોજ સુરજ ઉગે ને કોઈને કોઈ પરિવારના નાના મોટા સ્વજનોનો ભોગ લઈ રહ્યો છે. મહામારી એટલી વકરી છે કે પ્રત્યેક માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિદ્યાતા બની ગયો હોવાનું જોવા મળે છે. કોરોના એમ થોડો થાય તેવું કહીને ગંભીર બેદરકારી દાખવનારા મોતને ભેટીને સ્મશાનો પર લાગેલી કતારોમાં ગોઠવાઈ ગયા છે. હજુ પણ કોરોના મહામારી બાબતે બેધ્યાનપણું દાખવનારા હજુ ગંભીર પરિણામો નોતરશે તેમાં શંકાને સ્થાન નથી.

કોરોનાના કાળમુખા ખપ્પરમાં હોમાઈ જતા લોકોની વાત કરીએ તો જેતપુર તાલુકાના જેતલસર ગામે એક જ બાવાજી પરિવારના ચાર ચાર સભ્યો માત્ર ત્રણ દિવસના અંતરે જ કોરોનાથી મૃત્યુને ભેટ્યા છે.

તો જેતલસરના બે જીગરી દોસ્તોનો ૩ મહિનામાં કોરોનાએ ભોગ લઈને બંનેના પરિવારજનોને વિલાપ કરતા છોડી દીધા છે.

જેતલસરના અખબારી પ્રતિનિધિ જીતુભાઇ જોશી, સોની મહેન્દ્રભાઈ ચરાડવા અને કાઠી ક્ષત્રિય સમાજના દડુંભાઈ મોયા એમ ત્રણેય મિત્રો નાનપણથી જ ગોઠિયા મિત્રો હતા. સમયાંતરે વ્યવસાયિક સંજોગોથી મહેન્દ્રભાઈ પોરબંદર અને દડુંભાઈ જેતપુર સ્થાયી થયા છતાં પ્રસંગોપાત આ ત્રણેય મિત્રો સંગાથે જ મળતા, હરતા ફરતા..

પણ માણસોને ટપોટપ પોતાના મૃત્યુના ખપ્પરમાં હોમી દેતા કોરાના મહામારીએ આ ત્રણેય મિત્રોનો આનંદ જાણે જીરવાયો ના હોય તેમ પ્રથમ મહેન્દ્રભાઈ ચરાડવાનો ૨૯મી જાન્યુઆરીએ ભોગ લીધો. બાદમાં ૨૫ મી એપ્રિલના રોજ જીતુભાઇ જોશી નોન કોવિડ બન્યા બાદ ફેફસા ડેમેજની સારવાર દરમિયાન કૈલાશધામે પહોંચી ગયા છે. બંને મિત્રોના અવસાનથી સોની અને બ્રહ્મસમાજમાં શોક છવાયો છે.

બે જીગરી દોસ્તોના અવસાનનું દ્યેરું દુઃખ વ્યકત કરી ભાંગેલી અવસ્થામાં જેતપુરના દડુંભાઈ મોયાએ કહ્યું કે, મહાદેવ કરે તે ખરું, પામર માનવી આવા સમયે ઈશ્વરીય પ્રાર્થના સિવાય કશું ન કરી શકે..મહાદેવ બધાને બચાવે તેવી દડુંભાઈ મોયાએ પ્રાર્થના વ્યકત કરી હતી..

(1:12 pm IST)