Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

જસદણમાં ડો.બોઘરાએ શરૂ કરેલી કોવિડ હોસ્પિટલમાંથી ૧૮૮ દર્દીઓ સ્વસ્થ થયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૮ : અત્યારે પૈસા દેતા પણ બેડ ઓકિસજન નથી મળતા એવી સ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ જસદણમાં વિનામુલ્યે ઓકસિજન બેડ, દવા, સારવાર ભોજન સહિતની વ્યવસ્થા વિનામુલ્યે આપતી કોવિડ હોસ્પિટલ બાર દિવસ પહેેલા શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં ૨૬૪ દર્દીને દાખલ કરાયા હતા જે પૈકી ૧૮૮ દર્દી સ્વસ્થ થતા રજા અપાઇ છે.

જસદણના પુર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ માનવતા દાખવી જસદણ વિંછીયા વિસ્તારની પ્રજા સાથે કોવિડની સ્થિતિમાં ઉભા રહેવા જસદણ ખાતે દેવશીભાઇ છાયાણીની હીરાની ફેકટરીમાં ઓકસીજન, દવા, સારવાર, ભોજન સહિતની તમામ વ્યવસ્થા સારવાર વિનામુલ્યે આપતી કોવીડ હોસ્પિટલ શરૂ કરી હતી. છેલ્લા ૧૨ દિવસમાં આ હોસ્પિટલમાંથી ૧૮૮ દર્દીને ઓકસીજન સહીતની સારવાર આપી સ્વસ્થ થતા રજા અપાઇ હતી. વિંછીયાના મમતાબેન કીર્તીભાઇ જસાણીએ રજા આપ્યા બાદ જણાવ્યુ કે મારૂ ઓકસિજન લેવલ ઘટવા સાથે તકલીફ હતી જસદણ કે રાજકોટ કોઇપણ જગ્યાએ સરકારી કે ખાનગી કયાંય જગ્યા ન હતી ત્યારે ડો.ભરતભાઇ બોઘરાએ આ હોસ્પિટલ શરૂ કરતા ખૂબ જ સારી સારવાર મળી હતી. હુ સ્વસ્થ થતા મને રજા અપાઇ છે. રજા આપતા સમયે વિરનગરના અંજનાબેન ભૂપતભાઇ વેકરીયા જણાવે છે કે અત્યારે પૈસા દેતા પણ કોઇ હોસ્પિટલમાં જગ્યા છે. આ હોસ્પિટલમાં મફતમાં શ્રેષ્ઠ સારવાર આપી સ્વસ્થ કરી રજા અપાઇ છે. અહી ડો.પંકજભાઇ કોટડીયા, ડો.કેતનભાઇ પટેલ સહિતની ટીમ ખૂબ સારી સેવા આપી રહી છે. ઇશ્વરીયાના રોહિતભાઇ રાઘવભાઇ મારકણા, જસદણના મુશતનશીન અબ્બાસભાઇ ધનકોટ, કેયુર ઢોલરીયા સહિતના અનેક દર્દીએ અહી સારવાર બદલ સંતોષ વ્યકત કરી સેવાને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અહી ઓકિસજન વ્યવસ્થા વાળા પચાસ બેડ અને કોવિડ કેર માટે પચાસ બેડ છે દરેક બેડ સુધી ઓકસિજન લાઇન પણ છે. નરેશભાઇ દરેડ, ગોરધનભાઇ ભુવા, રમેશભાઇ હીરપરા, સંજયભાઇ વીરોજા, અલ્પેશભાઇ રૂપારેલીયા, નીતીનભાઇ ચોહલીયા, અમિતભાઇ ત્રિવેદી, જીજ્ઞેશભાઇ હીરપરા, રાજ રામાણી, કિશોરભાઇ ચૌહાણ, જીવણભાઇ પરમાર સહિતના યુવાનો જીવની પરવા કર્યા વગર સેવા આપી રહ્યા છે.

(11:38 am IST)