Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કોરોના રોગચાળા સામે રક્ષણ આપતા આયુર્વેદ અને હોમીયોપેથીક વિભાગની દવાનું વિનામૂલ્યે વિતરણ અભિયાન

જૂનાગઢ,તા. ૨૮ : હાલમાં પ્રવર્તમાન કોવિડ -૧૯ રોગચાળો મહામારીના સ્વરૂપે ફેલાઇ રહ્યો છે ત્યારે તેની રોકથામ અને સારવાર માટે સરકારના વિવિધ વિભાગો અને વહીવટીતંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.

જેના ભાગરૂપે જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ શાંતાબેન દિનેશભાઇ ખટારીયા અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા દ્વારા કોરોના રોગપ્રતિરોધક શકિતવર્ધક ઉકાળા, આયુર્વેદિક દવા સંશમની વટી અને હોમીયોપથી દવા આસેનિક આલ્બના વિતરણ માટેની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કરવામાં આવી. હાલમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના ખૂબ દર્દીઓ સારવાર લેવા આવતા હોય તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ સાથે આવતા હોય, આ પરિવારના સભ્યોને કોરોના ઇન્ફેકશનથી બચાવવા માટે આ આયોજન કરવામાં આવેલ છે.

જેની શરૂઆત જૂનાગઢ સાંસદ સભ્યશ્રી રાજેશ ચુડાસમા જીલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન દિનેશભાઇ ખટારીયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કીરીટભાઇ પટેલ, દિનેશભાઇ ખટારીયા, રમેશ વરસાણી, દિનેશ મૈતર અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ છે અને આ તમામ કામગીરીનું આયોજન અને વ્યવસ્થા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. મહેશ વારા અને આયુર્વેદ મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે.

આ દવા અને ઉકાળા વિતરણ સવારે ૧૦ થી સાંજે ૬ સુધી સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કરવામાં આવશે.

(11:28 am IST)