Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના સામે સંપૂર્ણ સાવચેતી સાથે કંડલા પોર્ટ કાર્યરત: ચેરમેન એસ.કે. મેહતા દ્વારા સતત નિરીક્ષણ

વિદેશી જહાજને બર્થ ઉપર લાવતી વખતે, કાર્ગોના લોડિંગ અન લોડિંગ વખતે માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ, મજદૂરોની સંખ્યા નિયંત્રિત કરી પોર્ટમાં પ્રવેશ વખતે થર્મલ ગનથી તપાસ

(ભુજ) કોરોનાના કારણે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં જ્યારે સર્વત્ર લોકડાઉન છે ત્યારે કચ્છમાં કંડલા પોર્ટની ચાલુ રહેલી કામગીરી અંગે ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે દિન દયાળ પોર્ટ પ્રશાસન વતી સ્પષ્ટતા કરાઈ છે કે, કોરોના અંગે સાવચેતી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમ જ શિપિંગ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલ ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરી પોર્ટનું કામકાજ કરાઈ રહ્યું છે. પોર્ટ ઉપર ચેરમેન એસ.કે. મેહતા દ્વારા વખતોવખત મોનિરટિંગ કરાય છે, તો સ્થાનિક મામલદારશ્રીને પણ સાથે રાખીને પોર્ટની કામગીરીનું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે. અત્યારે કંડલા પોર્ટની તમામ જેટીઓ ઉપર જહાજ લાંગરેલા છે. પણ, દિન દયાળ પોર્ટ દ્વારા કોરોનાને લક્ષમાં લઈને પોર્ટ પર મજદૂરોની સંખ્યાને ૪૦૦૦ માંથી નિયંત્રિત કરીને ૮૦૦ ની કરાઈ છે. પોર્ટમાં પ્રવેશતી વખતે તમામનું થર્મલ ગનથી ચેકીંગ કરાય છે. તમામને માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવે છે. તેમ જ તેમને કોરોના અંગે સમજ આપી તેમના હાથ વારંવાર ધોવા વિશે સમજ આપવામાં આવી છે. એટલું જ નહીં જહાજને જેટી પર રસ્સા વડે ખેંચનાર ફ્લોટિંગ સેક્શનના કામદારો, તેમ જ જહાજને જેટી પર લઈ આવનાર તેમ જ પરત દરિયામાં લઈ જનાર પાયલોટ્સ પણ માસ્ક, સેનિટાઈઝરના ઉપયોગ સાથે કાર્યરત છે. વિદેશથી આવતા જહાજના તમામ કર્મચારીઓનું થર્મલ ચેકીંગ કરી તેમને જહાજ પરથી નીચે નહિ ઉતરવાની મનાઈ કરાઈ છે. જહાજમાંથી કાર્ગો ટ્રકમાં કે રેલવે વેગનમાં લોડિંગ, અન લોડિંગ વખતે સંપૂર્ણપણે કોરોના સામેની સાવધાની સાથે કામ કરાય છે. પોર્ટ પર જ તંત્રની મંજૂરી લઈને તમામ મજદૂરોની જમવાની વ્યવસ્થા કરાઈ છે, જે દરમ્યાન પણ યોગ્ય રીતે નિયમોનું પાલન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. દરમ્યાન કંડલા પોર્ટના અધિકારીઓ તેમ જ પોર્ટ સાથે સંકળાયેલા શિપિંગ વ્યવસાયકારો સાથે ચેરમેન એસ.કે. મેહતા દ્વારા સોશ્યલ ડિસ્ટનિંગ રાખીને બેઠક યોજાય છે અને સૌને કોરોના સામે સાવચેતી રાખવા સતત તાકીદ કરાય છે. કંડલા પોર્ટના ચેરમેન, વાઇસ ચેરમેન, ટ્રાફિક મેનેજર, એફ એન્ડ સીએઓ, પર્સનલ ઓફિસર, પીઆરઓ દ્વારા  કોરોનાની સાવચેતીને ધ્યાને રાખીને કામ થાય તેનું સતત મોનીટરીંગ કરાઈ રહ્યું છે.

(10:16 pm IST)