Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

અમરેલી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ ૧૦૦ બેડની સુવિધા ઉભી કરવા માંગણી

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની મુખ્યમંત્રીને લેખીત રજુઆત

અમરેલી તા. ર૮ : ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર પાઠવી અમરેલી સિવિલ હોસ્પિટલમાં તાકીદે ૧૦૦ બેડની સુવિધા તેમજ કોરાના ટેસ્ટની સુવિધા ઉભી કરવા માંગણી કરેલ છે.

પત્રમાં વધુમાં જણાવેલ છે કે સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના સીઓવીઆઇડી-૧૯) વાયરસ ફેલાયેલો છે. જેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગંભીર મહામારી જાહેર કરેલ છે. આ વાયરસનો કહેર અતિ તીવ્રતાથી ફેલાયેલો છે અને દિવસેને દિવસે જીવલેણ થતો જાય છે. જેને કારણે હજારો માનવ જીંદગી મોતના મુખમાં ધકેલાતી જાય છે. સંદર્ભમાં ત્વરિત આ મહામરીનો સામનો કરવા પગલા ભરવા અને બેલઆઉટ પેકેજ જાહેર કરવા જણોલ છે.

અમરેલી જીલ્લાની વસ્તી ૧પ લાખ છે. તેમજ અમરેલી જીલ્લામાંથી ધંધાર્થે સુરત તથા અન્ય જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં લોકો સ્થાઇ થયેલ છે હાલમાં નોવેલ કોરોના વાયરસ ફેલાવાના કારણે આ મહામારી સમાન રોગને કાબુમાં લેવા ર૧ દિવસનું લોકડાઉન જાહેર થતા બહાર ગામ સ્થાઇ થયેલા ૪પ થી પ૦ હજાર લોકો પોતાના વતન અમરેલી પરત ફરેલ છે તેવા સંજોગોમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસોની તપાસણી કરવી પડે છે.પરંતુ અમરેલી સિવિલ હોસ્પીટલમાં માત્ર ર૦ બેડ આઇસોલેટેડ છે અને કોરોના વાયરસના ટેસ્ટીંગ માટે સેમ્પલો અમદાવાદ તથા ભાવનગર ખાતે મોકલવામાં આવે છે.તેમાં ૬ થી ૧ર કલાકનો સમય જાય છે. જેથી ચોકકસ નિદાન શકય બનતું નથી જેથી આવી પરિસ્થિતિમાં સિવિલ હોસ્પીટલ ખાતે કોરોના વાયરસના ટેસ્ટીંગની અદ્યતન લેબોરેટરી તાત્કાલીક અસરથી શરૂ કરવા પ્રજાહિતમાં ખુબજ જરૂરી છે.

તેમજ જીલ્લા મથકની અમરેલીની હોસ્પીટલમાં અન્ય દર્દીઓનો ધસારો ખુબજ હોવાથી કોરોના વાયરસના મહામારી સમાન ગંભીર રોગની સામે દર્દીઓને બચાવવા માટે હાલ તુરંત ૧૦૦ બેડનો આસોલેટેડ વોર્ડ બનાવી તેમજ વાયરસ ટેસ્ટીંગની અદ્યતન લેબોરેટરી બનાવવા ઉપરાંત નિષ્ણાત તબીબોની ટેમ્પરેરી ધોરણે તુર્તજ નિમણુંક કરવા જણાવેલ છે.

(2:39 pm IST)