Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સુરેન્દ્રનગર જીલ્લાના આરોગ્ય સેનાનીઓ દ્વારા ૧૩.૪૮ લાખથી વધુ ઘરોનું સ્ક્રીનીંગ કરાયું

 વઢવાણ,તા.૨૮ : સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાવાસીઓના આરોગ્યની જાળવણી માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. જિલ્લા કલેકટર શ્રી કે. રાજેશ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ શાહ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. કે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના આરોગ્ય સેનાનીઓ તેમજ શિક્ષકો અને આંગણવાડી કાર્યકર બહેનોની ટીમ છેલ્લા ૪ દિવસથી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે. જેના કારણે અત્યાર સુધીમાં ૧૩.૪૮ લાખથી વધુ ઘરોના સ્ક્રીનીંગ થકી ૮૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તથા બાકીની ૨૦ ટકા કામગીરી આગામી ૧ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. કે. પરમારે જણાવ્યું હતુ.

 જિલ્લા આરોગ્ય વિભાગમાંથી મળેલ વિગતો મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧.૦૭ લાખથી વધુ આયુર્વેદિક ઉકાળાનું તથા ૪૦,૨૭૪ હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં વિદેશથી આવેલ ૧૨૧ પેસેન્જરોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે પૈકી ૫૧ લોકોનો હોમ કવોરેન્ટાઈન પીરીયડ સફળ રીતે પૂર્ણ થયેલ છે. જયારે ૭૦ લોકો હાલના તબકકે હોમ કવોરેન્ટાઈન હેઠળ છે.

જિલ્લામાં કવોરેન્ટાઈન માટે ૭૦ બેડની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જે પૈકી ડેન્કો હોસ્પિટલ, લીંબડી ખાતે ૧૫ બેડ તેમજ જાખણ આયુર્વેદિક હોસ્પિટલ-લીંબડી ખાતે ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ બની છે. જયારે કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય, મોડેલ શાળા - લખતર ખાતે ૨૫ બેડની સુવિધા ઉપલબ્ધ બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા મથકે હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ૧૭ બેડનો અને સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ૩૦ બેડનો આઈસોલેશન વોર્ડ પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે.

(11:57 am IST)