Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના સામેની લડતમાં ભાણવડની જનતાએ તકેદારી રાખવી અતિ જરૂરી

જાહેરનામાના ભંગ બદલ પાંચ ગુન્હાઃ ૩૮ વાહનો ડીટેઈન

ભાણવડ, તા. ૨૮ :. ગત મંગળવારથી ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત બાદ અતિ આવશ્યક સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળવા અને કલમ ૧૪૪ હેઠળ એક સ્થળે ૪ થી વધુ લોકોએ એકઠા ન થવાનું તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની સૂચનાને ભાણવડના લોકો બહુ ગણકારતા ન હોય તેમ મંજુર કરવામાં આવેલ જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનોે પર ભારે ભીડમાં લોકો જોવા મળે છે ખાસ કરીને શાકભાજી, કરીયાણાની દુકાને તેમજ દૂધની ડેરીઓ પર લોકોની વધારે ભીડ રહે છે એટલુ જ નહી આવા સ્થળોએ એકબીજા વચ્ચે રાખવામાં આવવું જોઈએ એ અંતર પણ રાખવામાં નથી આવી રહ્યું. હાલ પોલીસ અને સરકારી તંત્ર દ્વારા ચુસ્ત કામગીરી તો થઈ રહી છે પરંતુ ભાણવડની જનતા દ્વારા જોઈએ એવો સહકાર નહી મળી રહ્યો હોવાનું સામે આવી રહ્યુ છે. સાંજના સમયે લોકો ટોળામાં બેઠેલા નજરે પડે છે.

જો કે આજે જીવન જરૂરીયાતની વસ્તુઓની કેટલીક દુકાનો પર જાગૃત દુકાનદારો દ્વારા ગ્રાહકો વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે એક દોઢ મીટરના અંતરે વર્તુળ બનાવીએએ વર્તુળમાં ગ્રાહકોને ઉભા રાખી સામગ્રીનું વેચાણ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે આ પદ્ધતિ તમામ જીવન જરૂરીયાતની દુકાનો પર અપનાવવામાં આવે એ આવશ્યક છે. લોકો જરૂરીયાત વગર ઘરની બહાર ન નીકળે એ જ ઉત્તમ તકેદારી છે.

દરમિયાન ભાણવડ સબ ઈન્સ. એચ.આર. હેરભા તથા ભાણવડ પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારો, સર્કલો, ભાણવડ શહેરમાં એન્ટ્રી-એકઝીટ પોઈન્ટ ઉપર તથા ભાણવડ શહેરમાં સઘન વાહન ચેકીંગ - પેટ્રોલીંગ કરી એમ.વી. એકટ કલમ ૨૦૭ મુજબ કુલ ૩૮ વાહનોના ચાલકો બિનજરૂરી રસ્તા ઉપર મળી આવતા તેઓના વાહનો ડીટેઈન કરવામાં આવેલ છે. તેમજ આઈ.પી.સી. કલમ ૧૮૮ મુજબના જાહેરનામા ભંગના કુલ ૦૫ ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી લોકોને કાયદાનુ ભાન કરાવવામાં આવેલ છે. હાલ પણ રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક પોલીસ બંદોબસ્ત - પેટ્રોલીંગ ચાલુ છે.

(11:45 am IST)