Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

અફવાખોરો સામે ડીઝાસ્ટરની કલમનો અમલઃ ૪ સામે કાર્યવાહી

નવા કાયદાનો ગુજરાતમાં સૌ પ્રથમ અમલ ભાવનગર - બોટાદ જિલ્લાથી કરાવતા રેન્જ વડા અશોકકુમાર યાદવ : કોરોના વાયરસ સામે પોલીસ ઝંઝુમી રહી છે ત્યારે અફવાઓથી લોકોને ભયભીત કરનાર શખ્સોને હળવાશથી ન લેવાયઃ ભાવનગર રેન્જ વડાની અકિલા સાથેની વાતચીત

રાજકોટ તા. ર૮ : કોરોના વાયરસ જેવી વિશ્વવ્યાપી મહામારી જેવા ગંભીર બીમારીના સંજોગોમાં પણ ચોકકસ તત્વો દ્વારા આ બાબતને જાણે મજાક સમજતા હોય તેમ સોશિયલ મીડીયામાં ખોટી અફવાઓ ફેલાવી લોકોને ભયભીત કરવાના પ્રયાસો સામે રાજય સરકાર ચોકી ઉઠી છે. ગુજરાતમાં ડીઝાસ્ટર કાયદાની કલમ ૪ મુજબ ભાવનગર રેન્જવડા અશોકકુમાર યાદવે ગુજરાતમાં સૌ પ્રથમ અમલ કરી ભાવનગરના ર અને બોટાદના ર શખ્સો સામે નવા કાયદાનો ડંડીકો ઉગામતા જ સોશીયલ મીડીયામાં અફવા ફેલાવનારાઓમાં ફફડાટ મચી ગયો છે.

જેમની સામે કાર્યવાહી થઇ છે તેમાં બોટાદના ભદ્રેશભાઇ જયંતીલાલ સાદડીયા તથા ભાવનગરના અજયભાઇ પ્રવિણચંદ્ર શાહ હોવાનું બહાર આવ્યું છે. આજ રીતે અમરેલી જીલ્લાના અરવિંદભાઇ બારૈયાનો પણ સમાવેશ હોવાનું બહાર આવ્યું છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવે જણાવેલ કે કોરોના વાયરસ જેવી ગંભીર સમસ્યાથી લોકોને રાહત અપાવવા પોલીસ તંત્ર જાનના જોખમે ફરજ બજાવે અને પોતાના એક દિવસના પગારની રકમ પણ લોકહીતાર્થે આપે છે. ત્યારે આવા તત્વો દ્વારા ફેલાવાતી અફવાઓને કોઇપણ સંજોગોમાં હળવાશથી લઇ ન શકાય.

ડીઝાસ્ટર કાયદાની ૪ની કલમનો અમલ કરવા માટે પોતે બોટાદના એસ.પી. હર્ષદ મહેતા ભાવનગરના એસ.પી.  તથા અમરેલીના એસ.પી. નિર્લિપ્ત રાયને આપેલી સુચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. તેઓએ જણાવેલ કે બોટાદમાં બે તથા ભાવનગર જીલ્લામાં બે સામે નવા કાયદા મુજબ ગુજરાતમાં સૌ પ્રથમ અમલવારી કરવામાં આવી છે. હજુ પણ આવા તત્વો સામે કડકાઇથી કામ લઇ કાર્યવાહી કરવામાં આવશે. તેમ વાતચીતના અંતે અશોકકુમાર યાદવે અકિલાને જણાવ્યું હતુ.

(11:26 am IST)