Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કચ્છથી પગપાળા પોતાને વતન જઈ રહેલા ૫૭ શ્રમજીવીઓને પોલીસે રોકયા

ભુજમાં અને ગઢશીશામાં આશરો અપાયો સાંસદ વિનોદ ચાવડાએ સ્થળ નહીં છોડવા અપીલ કરી

(ભુજ) કોરોના અને લોકડાઉનના કારણે શ્રમજીવી પરિવારોમાં ક્યાંક ને ક્યાંક ગભરાટ અને ચિંતા જોવા મળી રહી છે. આ ગભરાટ વચ્ચે નલિયાના કનકપરથી પોતાને વતન મહારાષ્ટ્ર પગપાળા જઈ રહેલા ૧૪ શ્રમજીવીઓને પોલીસે ભુજમાં રોકી લીધા હતા. આ તમામને ભુજના સૈયદપર ગામે એક વાડી મધ્યે આશરો અપાયો હતો. જ્યારે ગઢશીશાથી પોતાને વતન જાબુઆ પગપાળા જઈ રહેલા ૪૩ શ્રમજીવીઓને પોલીસે ભુજમાં રોકીને પરત ગઢશીશા મોકલી આપ્યા હતા. અન્ય રાજ્યોના આવા શ્રમજીવીઓ માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ મધ્યે શેલ્ટર હોમ શરૂ કરાયું હોવાનું ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરપ્રાંતીય શ્રમજીવીઓને તેઓ જ્યાં રહે છે ત્યાં જ રહેવા જણાવ્યું છે. તો, મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ શ્રમજીવીઓને જે તે સ્થળે તેઓ હોય ત્યાં જ રોકાઈ જવા અપીલ કરી છે. છતાંયે જો કોઈ મુશ્કેલી હોય તો તે વિસ્તારના ડેપ્યુટી કલેકટરને અથવા તો પોતાને (સાંસદ વિનોદ ચાવડાને) ફોન પર જાણ કરવા અપીલ કરી છે.

(7:21 pm IST)