Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ગીર જંગલના બાણેજ મતદાન મથક ઉપર ૧૦૦% મતદાન

અહીં એક જ મતદાર કરે છે મતદાન : હરિદાસ બાપુએ આ અંગે જણાવ્યું કે, સરકારે એક મતનું આટલું મહત્ત્વ સમજીને અહીં મતદાન મથક બનાવ્યુ છે

ગીર,તા.૨૮ :આજે રવિવારે ૨૮ ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં સવારે સાત વાગ્યાથી ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકામાં ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે ૨ વાગ્યા સુધીમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં ૩૬ ટકા મતદાન નોંધાયું છે. આ સાથે નગરપાલિકાઓમાં ૩૩ ટકા મતદાન થયું છે. ત્યારે રાજ્યનાં ગીર જંગલમાં આવેલા બાણેજ મતદાન મથક પર ૧૦૦ ટકા મતદાન થયું છે. બાણેજ ધામના મહંત હરિદાસ બાપુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મહંત ભરતદાસ બાપુના નિધન બાદ હરિદાસ બાપુ બાણેજ ધામના એક માત્ર મતદાતા છે. મહંત બાણેજના મહંત, હરિદાસ બાપુએ આ અંગે જણાવ્યું કે, સરકારે એક મતનું આટલું મહત્ત્વ સમજીને અહીં મતદાન મથક બનાવ્યું છે. હું પણ લોકોને અપીલ કરૃં છું કે, તેઓ મતનું મહત્ત્વ સમજીને તમામ લોકો મતદાન કરે. સરકારને પણ મારા કોટી કોટી વંદન કે, તેઓ એક મત માટે અહીં મતદાર કેન્દ્ર બનાવે છે. જેનાથી લોકોને પણ મતદાનનું મહત્ત્વ સમજવું જોઇએ. આ પહેલા બાણેજમાં મહંત ભરતદાસજી રહેતા હતા. તેમનું આજે નિધન થયું છે. તેઓ પણ હંમેશા મતદાન કરતા હતા. ભરતદાસ બાપુ કહેતા હતા કે, મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તેઓ મતદાનને લઈને હંમેશા લોકોને પ્રેરણા આપતા હતા. તેઓ ૬૮ વર્ષની વયે નિધન પામ્યા હતા. તેઓને કિડનીની બિમારી હતી. નોંધનીય છે કે, બપોરે ૩ વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો જિલ્લા અને તાલુકા પંચાયતમાં ૩૮% અને નગરપાલિકામાં ૩૩% મતદાન નોંધાયું છે. આ સાથે નગરપાલિકા ૩૩ % મતદાન નોંધાયું છે. આ આંકડાઓ જોતા લાગી રહ્યું છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજના અંતિમ તબક્કામાં રેકોર્ડ બ્રેક મતદાન થવાનું છે.

(7:26 pm IST)