Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

પરેશ ધાનાણીનો અનોખો વિરોધ: અમરેલીમા સાઇકલ ઉપર ખાતરની થેલી-ગેસનો બાટલો લઇને મતદાન કરવા પહોચ્યા : રાજયમાં ૪૯.૬% રોજગારી આપતા કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો સાથે ભાજપ સરકારનુ આભડછેટ જેવું વર્તન : રાસાયણિક ખાતરમાં તોતીંગ ભાવવધારો કરીને સરકાર પાછલા બારણેથી ખેડૂતોના ઘરમાં ખાતર પાડીને પોતાની તિજોરી ભરવા માંગે છે : વિધાનસભા વિરોધ પક્ષના નેતાના ભાજપ સરકાર સામે પ્રહારો

રાજ્યમાં નગરપાલિકા-તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યુ છે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અનોખી રીતે મતદાન કરવા માટે સાયકલ ઉપર ખાતરની થેલી અને ગેસનો બાટલો લઇને પહોચ્યા હતા. મતદાન કરવા ગયા તે દરમિયાન પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અને ખાતરના ભાવ વધતા અનોખી રીતે પ્રચાર કર્યો હતો અને મતદાન કરવા પહોચ્યા હતા. મતદાન કર્યા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, “ગાંધી અને સરદારના ગુલામ બનેલા ગુજરાતની અંદર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીને હરાવવાનો રાજ્યની પ્રજાએ સંકલ્પ કર્યો છે. કૃષિ અને ઋષિના જગતમાં ખેડૂતનો દીકરો મોંઘી વીજળી, મોંઘુ ખાતર અને મોંઘા બિયારણ, મોંઘી દવા અને ખેત ઉપજો ઉપર કર વસુલાત પછી પણ પોષણ ક્ષણ ભાવના અભાવમાં દેવાના બોજ નીચે દબાતો જાય છે. રાજકવાદીઓની જાળમાં ફસાઇને જમીન માફિયાઓ તેમની જમીન ઝુંટવી જાય છે, આટલી વિપરીત પરિસ્થિતિની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો અહંકારમાં રાચી રહ્યા છે ત્યારે મંદી મોંઘવારી અને બેરોજગારીને હરાવવા ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે ભાજપના અહંકારને ઓગાળવો ખુબ જરૂરી છે. ગેસ સિલિન્ડરની 825 રૂપિયા કરતા વધુ કિંમત થઇ. ખેડૂતોને જંતુનાશક રાસાયણીક ખાતર જોઇએ છે ત્યારે આજે ડીએપી 1500 રૂપિયા પહોચવાની જાહેરાત થઇ રહી છે, એનપીકે 1400થી વધુની વસુલાત થઇ રહી છે. આ બધી જ સ્થિતિમાં સરકાર ઉપર નિયંત્રણ લાવવા કમળને કચડવુ ખુબ જરૂરી છે. ગુજરાતના ગરીબ ગામડા અને ખેડૂતોની સરકાર બનાવવા આજે લોકો મતદાન કરશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળી કમળને કચડી કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આશીર્વાદ આપશે.”

વધુમાં વિપક્ષના નેતાએ કહ્યુ કે,”રાજયમાં ૪૯.૬% રોજગારી આપતા કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો સાથે ભાજપ સરકાર આભડછેટ જેવું વર્તન કરી રહી છે. રાસાયણિક ખાતરમાં તોતીંગ ભાવવધારો કરીને સરકાર પાછલા બારણેથી ખેડૂતોના ઘરમાં ખાતર પાડીને પોતાની તિજોરી ભરવા માંગે છે.”

(3:41 pm IST)