Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

તાલાલામાં પાણી છાંટતી વખતે બીજા માળની અગાસી પરથી પટકાતાં પ્રજાપતિ યુવાન સુધીર ચિત્રોડાનું મોત

૩૩ વર્ષના યુવાને રાજકોટમાં દમ તોડ્યોઃ બીજો માળ બનાવ્યો હોઇ પાણી છાંટતો'તો

રાજકોટ તા. ૨૮: તાલાલા ગીરમાં રહેતાં સોરઠીયા પ્રજાપતિ યુવાન સુધીર છગનભાઇ ચિત્રોડા (ઉ.વ.૩૩)નું પોતાના મકાનના બીજા માળે અગાસીએથી પાણી છાંટતો હતો ત્યારે અકસ્માતે પગ લપસતાં પડી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

સુધીર ચિત્રોડા જ્યાં રહે છે એ મકાનમાં બીજો માળ બનાવ્યો હતો. ૨૨મીએ સાંજના સમયે પોતે બીજા માળની અગાસીએથી દિવાલો પર પાણી છાંટતો હતો ત્યારે અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. તેને તાલાલા, વેરાવળ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે.

મૃત્યુ પામનાર ત્રણ ભાઇમાં વચેટ અને અપરિણીત હતો. તે ફેબ્રીકેશનનું કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇએ કાગળો કરી તાલાલા પોલીસને મોકલ્યા હતાં.

(11:57 am IST)