Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કોટડાસાંગાણીના રામોદના દુષ્કર્મ પ્રકરણમાં બે રાજકીય નેતાઓ સહિત ત્રણેય આરોપીઓના ઘરે પોલીસના છાપાઃ ત્રણેયની શોધખોળ

જે કારમાં યુવતી પર દુષ્કર્મ ગુજારાયુ’તુ તે કાર કબ્જે કરાઈઃ આરોપીઓના કોલ ડીટેઈલ કઢાવાશે તેમજ સીસીટીવી ફુટેજની તપાસ ચાલુ છેઃ ડીવાયએસપી શ્રૃતિ મહેતા

રાજકોટ તા. ૨૮ :. કોટડાસાંગાણી ભાજપના અગ્રણી સહિત ૨ રાજકીય નેતાઓને સંડોવતા ગેંગરેપની ઘટનામાં પોલીસે ગઈકાલે રાત્રે ત્રણેય આરોપીના ઘરે છાપા માર્યા હતા પરંતુ ત્રણેય શખ્સો નાસી છૂટયા હતા. પોલીસે યુવતી પર જે કારમાં દુષ્કર્મ ગુજારાયુ હતુ તે કાર કબ્જે કરી છે. તેમજ આરોપીઓના કોલ ડીટેઈલ અને સીસીટીવી ફુટેજ અંગેતપાસ હાથ ધરી છે.

 પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણીના રામોદ રહેતી ૧૯ વર્ષીય દલિત યુવતી બપોરે એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે એકલી હતી ત્યારે કોટડા સાંગાણી તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અમિત જેન્તી પડાળીયા અને તેની સાથેના શાંતી ગોંવિદ પડાળીયા અને વિપુલ ભાયલાભાઇ શેખડા ત્રણેય શખ્સો સફેદ કલરની કારમાં ઘસી આવ્યા હતા અને અમીત પડાળીયાએ યુવતીનો હાથ પકડી જબરદસ્તથી તેને કારમાં ઉઠાવી જઇ અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા. અને ચાલુ કારમાં જ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અમિત પડાળીયા સહિત ત્રણેય શખ્સોએ યુવતી ઉપર સામુહીક દુષ્કર્મ કરી યુવતીને પીખી નાંખી હતી અને બાદમાં ઘરે યુવતીને ઉતારી દીધી હતી જતા જતા આરોપી અમીત પડાળીયાએ યુવતીને રિવોલ્વર દેખાડી કોઇને વાત કરશે તો તારા ભાઇને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

સમગ્ર બનાવ અંગે યુવતીએ તેના પરિવારજનોને વાત કરતા પરિવાર ચોંકી ઉઠયો હતો અને યુવતીને તાત્કાલીક સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને દલિત યુવતીની ફ્રિયાદ પરથી સામુહીક દુષ્કર્મ ગુજારનાર શખ્સો તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી તથા રામોદના સરપંચ પુત્ર અમીત, શાંતિ ગોવિંદ અને વિપુલ શેખડા વિરૂધ્ધ અપહરણ, સામુહીક દુષ્કર્મ, ધમકી અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટો શરૂ કર્યો હતો.

દરમિયાન તપાસનીશ અધિકારી એસ.સી.-એસ.ટી. સેલના ડીવાયએસપી શ્રૃતિ મહેતાએ જણાવ્યુ હતુ કે, ગેંગરેપની ઘટનામાં સંડોવાયેલ કોટડાસાંગાણી તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અમિત પડાળીયા તથા તાલુકા પંચાયતના સદસ્ય શાંતિ ગોવિંદભાઈ પડાળીયા તેમજ વિપુલ શેખડાના ઘરે ગઈકાલે પોલીસે છાપા માર્યા હતા પરંતુ ત્રણેય નાસી છૂટયા હોય મળી આવ્યા ન હતા. જે કારમાં યુવતી પર દુષ્કર્મ ગુજારાયુ છે તે કાર આરોપીઓએ તેના મિત્રના ઘરે મુકી દેતા આ મિત્રએ આ કાર પોલીસમાં રજુ કરતા તે કબ્જે લેવાય છે અને કારને એફએસએલની તપાસ માટે મોકલી દેવાયેલ છે.

નાસી છૂટેલ બન્ને રાજકીય નેતાઓના કોલ ડીટેઈલ કઢાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ યુવતીનું અપહરણ થયુ હતુ તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે કેમ ? તે અંગે તપાસ હાથ ધરાઈ છે. નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ પોલીસ ટીમો કાર્યરત છે.

(11:40 am IST)