Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વર્તમાન સ્થિતિને અનુલક્ષી જૂનાગઢ મેળામાં જડબેસલાક બંદોબસ્ત

શિવરાત્રી કુંભ મેળામાં આઇજીપી સુભાષ ત્રિવેદી સહિત પોલીસ અધિકારીઓનું ફુટ પેટ્રોલીંગ - જાત નિરીક્ષણઃ યોગી આદિત્યનાથજી, વિજયભાઇ રૂપાણી સહિત મહાનુભાવોની સુરક્ષા માટે જડબેસલાક બંદોબસ્ત : મીની કુંભ મેળામાં ૩૦ જેટલી રાવટીઓમાં પણ પોલીસ તૈનાત : ૨૫૦૦ પોલીસ અધિકારીઓ - કર્મચારીઓ ફરજ ઉપર

જુનાગઢ : તસ્વીરમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૮ : જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાનાર મીની કુંભ શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભકતો આવનાર હોઈ તેમજ આ કુંભમેળામાં રાજયપાલશ્રી, યુપી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેનાર હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

આ મિનિકુંભ શિવરાત્રી મેળાની સુરક્ષા માટે ૦૨ આઇપીએસ, ૧૪ ડીવાયએસપી, ૩૦ પોલીસ ઇન્સ., ૧૫૦ પોલીસ સબ ઇન્સ., ૪૦૦ પોલીસ સ્ટાફ સહિત હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક જવાનો, મહિલા પોલીસ તેમજ ૦૩ એસઆરપી કંપની મળી, કુલ આશરે ૨,૫૦૦ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફને ખાસ તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ ૩૦ જેટલી રાવટીમાં પણ પોલીસ તૈનાત કરવામાં આવેલ છે. હથિયારધારી માણસો પણ ગોઠવવામાં આવેલ છે. સમગ્ર મેળા બંદોબસ્તમાં મેટલ ડિટેકટર રાખી, ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે અને રૂપાયતન ત્રણ રસ્તા તથા સ્મશાન ત્રણ રસ્તા ખાતે અમદાવાદ વડોદરાથી ખાસ બેગેજ સ્કેનર મંગાવી, યાત્રાળુઓને સામાનનું ચેકીંગ કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભવનાથ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સ.ઇ. આર.એમ.ચૌહાણ સહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ખાસ મેળા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

આ મેળા બંદોબસ્તમાં વોચ ટાવરની વ્યવસ્થા કરી, દૂરબીન, વોકિટોકી સાથે માણસો રાખી, ખાસ વોચ રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર વિસ્તારમાં પ્રવેશતા માર્ગો ઉપર વાહન ચેકીંગ માટે ચેક પોસ્ટ ઉપર પોલીસના માણસો દ્વારા ખાસ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત મેળાની ભીડમાં ચોરી, પિક પોકેટિંગ, છેડતી, કેફી પીણું પી ને ફરતા લુખ્ખા તત્વો, વિગેરે જેવા બનાવો રોકવા તેમજ ગુન્હેગારોને ઓળખવા ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તેમજ ડી સ્ટાફના માણસોને ખાસ સાદા કપડામાં તૈનાત કરી, ગુન્હેગારો ઉપર વોચ રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત આવા આવારા તત્વો તથા ગુન્હેગારો ઉપર નજર રાખવા બહારના જિલ્લાઓની ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવેલ છે. વધુમાં જૂનાગઢ શહેરમાં પણ ખાસ નાઈટ દરમિયાન ચેકીંગ હાથ ધરી, હોટલ ધાબા ચેક કરવાની તથા પ્રોહીબિશનના બુટલેગરોને ચેક કરી, ગેર કાયદેસર પ્રવૃત્ત્િ। ડામવા માટે સતત નાઈટ દરમિયાન શિવરાત્રી સુધી જુદી જુદી ટિમો બનાવી, કોમ્બિગ સાથે ચેકીંગ હાથ ધરાવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુમાં, ખોવાયેલા અને ગુમ થયેલાં માણસો, બાળકો અને મહિલાઓ માટે ખાસ સ્કવોડની રચના કરવામાં આવેલ છે.

આજરોજ જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભસિંઘ સહિતના અધિકારીઓએ જાતે સમગ્ર ભવનાથ તળેટી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી, એરિયા ડોમીનેશનની કામગીરી હાથ ધરી, બંદોબસ્તનું નિર્દેશન કરી, સૂચનાઓ પણ આપવામાં આવેલ હતી.

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા મીની કુંભ શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

ગિરનાર તળેટી ખાતે ગઇકાલથી શરૂ થયેલ શિવરાત્રી કુંભ મેળામાં ગઇકાલે જુનાગઢ રેન્જના આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીએ જૂનાગઢ એસ.પી. સૌરભસિંઘ સહિતના પોલીસ અધિકારીઓ સાથે ફુટ પેટ્રોલીંગ કર્યું હતું અને બંદોબસ્તનું જાત નિરીક્ષણ કરી જરૂરી સુચના આપી હતી.

આવતીકાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી તેમજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી શિવ કુંભમેળામાં આવનાર હોય આ મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થા અંગે આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીએ સમીક્ષા બેઠક બોલાવી હતી.

આઇજીપી શ્રી ત્રિવેદીએ એસપી સૌરભસિંઘ, એએસપી સાગર વાઘમાર, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા વગેરે સાથે ઉત્તરપ્રદેશ અને ગુજરાતના સીએમની ઉપસ્થિતિમાં પ્રકૃતિધામ ખાતે યોજાનાર ધર્મસભા સ્થળની પણ મુલાકાત લીધી હતી.  તેમજ ધર્મસભા સ્થળ ખાતેની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીએ કેટલીક સુચના આપી હતી.

(3:53 pm IST)