Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

શાપરના બ્રિજ પર ચિલઝડપનો પ્રયાસઃ રાજકોટના સંગીતાબેન પ્રજાપતિ પતિના બાઇક પરથી પટકાયા

બાઇક પર આવેલા બે પૈકી એક જણાએ ચેઇન ખેંચ્યોઃ કુંભાર મહિલા સિવિલ હોસ્પિટલમાં દાખલ

રાજકોટ તા. ૨૮: શાપર વેરાવળના ઓવર બ્રીજ પર પતિ પાછળ બાઇકમાં બેઠેલા રાજકોટના સોરઠીયા પ્રજાપતિ મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે ગળા પર ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરતાં ચેઇન તૂટી જતાં અને આ મહિલા બાઇક પાછળથી પડી જતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ મવડી ચોકડી પાસે રહેતાં સંગીતાબેન મહેશભાઇ ચાવડા (ઉ.૪૦) નામના પ્રજાપતિ મહિલા ગઇકાલે પતિ મહેશભાઇ હરિભાઇ ચાવડા સાથે બાઇકમાં બેસી કામ સબબ ગોંડલ ગયા હતાં. સાંજે સાતેક વાગ્યે પતિ-પત્નિ પરત રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે શાપર બ્રિજ પર પહોંચતા એક બાઇક બાજુમાં આવ્યું હતું. તેના ચાલકની પાછળ બેઠેલા શખ્સે સંગીતાબેનના ગળા પર ઝોંટ મારી ચેઇન ખેંચતા તેણીએ ચેઇન પકડી રાખ્યો હતો. વધુ ઝોંટથી ચેઇન તૂટી ગયો હતો અને સંગીતાબેન પણ બાઇકમાંથી પડી જતાં માથામાં ઇજા થઇ હતી. બંને ચિલઝડપકાર પણ ખાલી હાથે ભાગી ગયા હતાં.

આ રીતે બ્રીજ પર ચિલઝડપના પ્રયાસનો બનાવ બનતાં શાપર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ આદરી છે.

(12:07 pm IST)