Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ધારાસભ્યો સહીતનાને તબીબી સારવાર માટે ૧પ લાખ ખર્ચ આપવાનો નિર્ણય પ્રજા સાથે દ્રોહ સમાન

વિધવા સહાયમાં વધારો કરવા પુર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાની માંગણી

રાજકોટ, તા., ૨૮: જસદણના પુર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન ભીખાભાઇ ભીમજીભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે તાજેતરમાં ગુજરાત સરકારે અધ્યક્ષશ્રી, મંત્રીશ્રીઓ, ઉપાધ્યક્ષશ્રી, વિરોધ પક્ષના નેતા સંસદીય સચિવશ્રીઓ, વિધાનસભાના મુખ્ય દંડક, નાયબ મુખ્ય દંડક,  દંડક તથા વર્તમાન ધારાસભ્યશ્રીઓ કે જેઓ તેમના હોદા ઉપર ચાલુ છે તેઓને તથા પુર્વ ધારાસભ્યો તથા તેઓના કુટુંબના સભ્યોને તબીબી સારવાર માટે રૂ. ૧પ લાખ ખર્ચ પેટે આપવાનો તથા વધારે ખર્ચ થાય તો સરકારની મંજુરીથી આપવાનો જે નિર્ણય કરેલ છે તે પ્રજા સાથે દ્રોહ કરવા બરાબર છે જેથી ફેર વિચારણા કરવી જોઇએ.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે કોઇ પણ પંચાયતથી સંસદ સુધીના રાજકીય સંસ્થાના હોદેદારો કર્મચારી નથી લોકસેવકો છે જેથી પગાર કે અન્ય માનદ વેતન કે સવલતો મેળવી શકે નહી. મંત્રીશ્રીઓને કે અન્ય  હોદેદારોને ગાડી, બોડીગાર્ડ, બંગલા તેમજ ભાડા ભથ્થા તથા અન્ય સવલતો મેળવતા હોવા છતાં પગાર આપવો કોઇ પણ સંજોગોમાં ઉચીત નથી. ધારાસભ્યોને ધારાસભાની કાર્યવાહીમાં કે ધારાસભાની સમીતીઓની મીટીંગમાં હાજરી આપવા જવાનું થાય ત્યારે જ તેઓને નિયમ મુજબ વાહનભાડુ ભથ્થુ, સીટીંગ ફી વિગેરે મળવા જોઇએ.

ખેડુતોને રૂ. ૬૦૦૦ જેવી નજીવી રકમ આપવાનો જે નિર્ણય કરેલ છે તેમાં જો નક્કી કરેલા નિયમો મુજબ સહાય મળી શકે તો ધારાસભ્યો કે પુર્વ ધારાસભ્યો માટે સારવારના ખર્ચ માટે આવક વિગેરે ધ્યાનમાં લેવા જોઇએ ગુજરાતમાં ધારાસભ્યો માટે પેન્શનની જોગવાઇ નથી.

હાલમાં હોેદેદારો, પદાધિકારીઓ અને કર્મચારીઓને જ મોંઘવારી નડતરરૂપ છે નાના અને નવી નિમણુંક પામેલા કર્મચારીઓને પુરતુ વેતન (પગાર) મળવો જોઇએ. પરંતુ લાખો રૂપીયાના પગાર તેમજ અન્ય વધારાની આપવામાં આવતી સવલતો અંગે પણ ફેર વિચારણાની ખાસ જરૂરત છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે મોટાભાગના મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યો કરોડોના આસામી છે અને લાખો રૂપીયા ચુંટણીમાં ખર્ચ કરતા હોય છે જેથી તેઓની સારવાર પ્રજાના પૈસા કરાવવી અને  સારવારનો ખર્ચ પણ આપવો તે યોગ્ય ન કહેવાય.

પુર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે મહિલા કર્મચારીઓને બાળકના જન્મ પછીની સંભાળ માટે રજાનો પગાર આપવો અને રજા આપવી બંને લાભ આપવામાં અજુગતું છે તેમજ તેમના પતિ કર્મચારી હોય તો તેને પણ રજા આપવી એવંુ  સરકારશ્રીની વિચારણામાં છે એવું જાણવા મળે છે તે કોઇ પણ સંજોગોમાં વ્યાજબી નથી.

સરકારે વૃધ્ધ યોજનાની સહાય રૂ. પ૦૦ થી વધારીને ૭પ૦ કર્યા છે જે ઘણા જ ઓછા ગણાય તેમજ વિધવા સહાય વિગેરેમાં વધુ સહાય કરવી જોઇએ. એવી સરકારશ્રીને રજુઆત કરેલ છે. પૈસાનો કરકસરથી વહીવટ થાય અને બીન જરૂરી લહાણીઓ કરવાનું બંધ થાય એ જરૂરી છે તેમ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા (મો. ૯૮૨૪૦ ૩૨૪૯૦) એ જણાવ્યું છે.

(12:06 pm IST)