Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જૂનાગઢ મહાશિવરાત્રી કુંભ મેળામાં શ્રી આપાગીગાની જગ્યા સતાધાર અને આપાગીગાનો ઓટલો(ચોટીલા) દ્વારા જાહેર અન્નક્ષેત્રનો પ્રારંભ

ભાવિકોને દેશી ઘીમાં બનેલો દુધી ગાજરનો હલવો-મોહનથાળ-બુંદી, રોટલી-બેશાક- દાળભાત-ફુલ ભાણુ ભાવથી પિરસે છેઃ પૂ. નરેન્દ્ર બાપુઃ પૂ. જીવરાજબાપુના દિર્ધાયુષ્ય માટે ર૧ કુંડી મહારૂદ્રયજ્ઞ

ઉપરોકત તસ્વીરમાં અન્નક્ષેત્રની વ્યવસ્થા અંગે અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીને માહિતી આપતા પૂ. નરેન્દ્રબાપુ સાથે પૂ. હરિગિરીબાપુ અને પ્રસાદ લેતા ભાવિકો નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા)

 

જૂનાગઢ તા. ૨૮: જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રી કુંભ મેળાના પ્રારંભ પૂર્વે એક દિવસ અગાઉ પૂ. જીવરાજબાપુની પ્રેરણાથી આપાગીગાની જગ્યા સતાધાર અને આપાગીગાનો ઓટલો (ચોટીલા) દ્વારા આયોજીત જાહેર અન્નક્ષેત્રનો પૂ. નરેન્દ્રબાપુ દ્વારા પ્રારંભ કરાયો છે.

ગઇકાલે અકિલા બ્યુરોની ટીમે મેળાનો વિધીવત પ્રારંભ થયા બાદ અન્નક્ષેત્રો અને ઉતારા આશ્રમોની મુલાકાત લઇ સેવાભાવીઓની સેવાનો આંખે દેખ્યો અહેવાલ અત્રે પ્રસ્તુત છે.

આપાગીગાનો ઓટલો (ચોટીલા)ના મહંત પૂ. નરેન્દ્રબાપુએ જણાવ્યું હતું કે છેલ્લા ૩ વર્ષથી લાલસ્વામી આશ્રમના મહંત પૂ. હરિગિરીબાપુ દ્વારા ૮ વિઘાની વિશાળ જગ્યામાં કોઇપણ જાતનો ચાર્જ લીધા વગર અમોને અન્નક્ષેત્ર માટે તેઓ જગ્યા આપે છે.

પૂ. બાપુ દ્વારા અન્નક્ષેત્રમાં ભાવિકોને દેશી ઘી માંથી બનેલ દુધી ગાજરનો હલવો, મોહનથાળ, બુંદી, ગાંઠીયા, રોટલી, બે શાક, દાળભાત, સંભારા વગેર પિરસવામાં આવે છે. અને આ અન્નક્ષેત્રમાં ૪૫ લોકો રસોઇ બનાવવામાં સેવા આપે છે. તેમજ ૪૦ જેટલા સ્વયંસેવકો શાકભાજી સમારવા, વાસણ સાફ કરવા તેમજ પિરસવામાં સેવા આપે છે.સતાધારના મહંત પૂ. જીવરાજબાપુના આશિર્વાદથી નરેન્દ્રબાપુના માર્ગદર્શન અને સતત નજર હેઠળ ખડેપગે યાત્રિકોની સેવા કરી રહ્યા છે. અને પૂ. બાપુના ગુરૂભાઇ વિજયબાપુ પણ સહકાર આપી રહ્યા છે.આ અન્નક્ષેત્રમાં હાલ ૧૫૦ સિંગતેલના ડબ્બા, ૬૦ ડબ્બા દેશી ઘી, ૨૦ ડબ્બા ગોળ, ૨૦ કટ્ટા બટાટા તેમજ ભાતનો ખીચડીના ચોખાના ૨૦થી વધુ બાચકા વગેરે સામાન રસોડામાં સ્ટોકમાં રાખેલ છે. અને દરરોજ ૨૦ ટકા ઘઉંનો લોટ, ૧૦ કટા બાજરાનો લોટ, ૬૦૦ લીટર દૂધ, પ૦૦ લીટર છાસ , ૩૦ હજારથી વધુ મસાલો વપરાશ કરવામાં આવનાર છે. આજ તા. ૨૭થી આ અન્નક્ષેત્ર વિધીવત શરૂ થયું છે. તા. ૪ મહાશિવરાત્રી સુધી અવિરત ધમધમશે. દરમ્યાન સતાધારના  મહંત પૂ. જીવરાજબાપુના દિધાર્યુષ્ય માટે ૨૧ કુંડી મહાયજ્ઞ પણ યોજવામાં આવેલ છે. આ અન્નક્ષેત્રમાં ડો. ભાવેશ ટાંક પણ સેવા આપી રહયા છે.

(12:06 pm IST)