Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

મોરબીમાં શહીદ પરિવારોની મદદ માટે લોક ડાયરામાં માયાભાઇ અને કિર્તીદાને રંગત જમાવી : લાખોનું ફંડ એકત્ર

ઉમિયા પાટીદાર મહોત્સવ સમિતિ દ્વારા આયોજીત કાર્યક્રમ : શહીદ જવાનોને અંજલી અર્પી

મોરબી તા. ૨૮ : કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ વીર જવાનોને દેશભરમાં શ્રદ્ઘાંજલિ આપવામાં આવી રહી છે અને સૌ કોઈ અલગ અલગ રીતે શ્રદ્ઘાંજલિ પાઠવતા હોય ત્યારે મોરબીના યુવાનોએ શહીદ પરિવારોની યાદમાં એક શામ શહીદો કે નામ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના લોક સાહિત્યના સુપ્રસિદ્ઘ કલાકારો માયાભાઈ આહીર અને કીર્તીદાન ગઢવીએ ડાયરાની રંગત જમાવી હતી.

મોરબી ઉમિયા પાટીદાર મહોત્સવ સમિતિની ટીમ દ્વારા મોરબીમાં એક શામ શહીદો કે નામ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકડાયરાથી થનારી તમામ આવક શહીદ પરિવારોને આર્થિક મદદ માટે વાપરવાનું અગાઉથી જ નક્કી કરવામાં આવ્યું હોય જેને પગલે શહીદોને શ્રદ્ઘાંજલિ માટેના આ લોકડાયરામાં આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું હતું અને યુવાનોએ નોટોનો વરસાદ કર્યો હતો દેશભકિતના ગીતોથી દરેક યુવાન દેશભકિતના રંગે રંગાયો હતો.

આયોજન કરનાર અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતું કે અગાઉ એકત્ર કરેલ ફાળો તેમજ ડાયરામાં થયેલ ઘોર સહિતની ૪૩ લાખથી વધુ રકમ એકત્ર થઇ છે જે તમામ રકમ શહીદ પરિવારોને સીધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે મોરબીમાં આયોજિત એક શામ શહીદો કે નામ લોકડાયરામાં સુપ્રસિદ્ઘ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કીર્તીદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે મોરબીવાસીઓનો જોશ જોઇને આનંદ થયો છે અને દેશભકિત હોય કે વેપાર મોરબીવાસીઓ આગળ હોવાનું જણાવ્યું હતું. માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે જ્ઞાતિના ભેદભાવથી ઉપર ઉઠીને દરેકે ભારતીય બનવું જોઈએ એકવાર જ્ઞાતિવાદને ભૂલી જાય અને દરેક ભારતીય બની જાય એટલે દુનિયા આપણી તાકાત જોઈ અચંબિત થઇ જશે તો મોરબીમાં ડાયરાના આયોજનને પણ વખાણ્યું હતું

ડાયરાનું આયોજન કરીને શહીદોને ભાવભીની શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શહીદ પરિવારને આર્થિક મદદ કરવાના હેતુથી યોજાયેલા લોકડાયરામાં યુવાનોએ નોટોનો વરસાદ કર્યો હતો તો બંને કલાકારોએ મોરબીના યુવાનોને દેશભકિતના રંગે રંગી દીધા હતા લોક ડાયરામાં મોરબીના રાજકીય સામાજિક અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૩)

 

 

(12:05 pm IST)